સ્માર્ટ સિટી સુરતની કાળી બાજુ, કોસાડ-ભરથાણામાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત
સુરતને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે. સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમ આવ્યો છે. તેમ છતાં શ

સુરતને સ્માર્ટ સિટીનું બિરુદ મળ્યું છે. સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમ આવ્યો છે. તેમ છતાં શહેરના હજુ ઘણા વિસ્તારો એવા છે. જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ પૂરતી મળી નથી. રસ્તા-પાણીની સુવિધાઓ યોગ્ય ન હોવાથી લોકો નર્કાગાર જિંદગી જીવવા મજબૂર હોવાની કેફિયત કહી રહ્યાં છે. કોસાડ ભરથાણા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીના સ્થાનિકોએ અરજીઓ અવારનવાર કરી હોવા છતાં કામ ન થતાં હોવાની રાવ કરી રહ્યાં છે.
કોઈ ધ્યાન આપતું નથી
સ્થાનિકોએ કહ્યું કે, ચૂંટણી આવે કે નેતા જીતે. કોઈ અમારા સુધી પહોંચતું નથી. સોસાયટીથી ફાટક સુધી પહોંચવું હોય તો પણ નવ નેજા પાણી આવી જાય છે. અધિકારીઓથી લઈને પદાધિકારીઓને અવારનવાર રજૂઆત કરી છે. અમારા પગના તળિયા ઘસાઈ ગયા છે. પરંતુ કામ કોઈ થયા નથી.
બીમારી વખતે એમ્બ્યુલન્સ પણ આવતી નથી
જીવનસિંઘ ચૌહાણે કહ્યું કે, ઝોન ઓફિસથી લઈને તમામ જગ્યાએ અરજીઓ કરી છે. અરજીઓ કરી કરીને થાકી ગયા છે. તેમ છતાં અમારી ગુરુકૃપા સોસાયટીનો કોઈ સહારો બન્યો નથી. અમને પાંચ વર્ષથી માત્ર વાયદાઓ સિવાય કઈ જ મળ્યું નથી. અમને હા પાડે છે પરંતુ કામ થતું નથી. અમે 50 જેટલી અરજી કરી છે. અમારે ત્યાંની બહેન દીકરીઓની ડિલિવરી પણ રસ્તામાં જ થઈ જાય છે. રસ્તામાંથી બાઈક પણ નીકળતી નથી. મચ્છરની સમસ્યા છે. બાળકોને પણ બાઈકમાં બેસાડવા અઘરા છે પડી જવાનો ભય રહે છે.








