રૂપાલા સામેના વિરોધ વચ્ચે સુરતમાં પાટીદારોનો અનોખો કાર્યક્રમ, સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં થશે આવા આયોજન
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ત્યારે રાજકોટ બેઠક પરના ભાજપના

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ત્યારે રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનથી વિરોધના વંટોળ વધી રહ્યો છે. ત્યારે આ વંટોળને શાંત કરવા માટે સુરતમાં પ્રયાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રીયન પાટીદાર વિસ્તાર એવા વરાછા અને મોટા વરાછામાં રૂપાલાના સમર્થનમાં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામા આવ્યું છે. જેના માટે અત્યારથી જ મિટીંગોના દૌર શરૂ થઈ ગયા છે. રવિવારે યોજનારા સ્નેહ મિલન સમારોહમાં ખુદ રૂપાલા હાજરી આપશે અને મતદારોને રિઝવવા પ્રયાસ કરશે.
રૂપાલા સામે વિરોધ યથાવત
રાજકોટ બેઠક માટે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના નામની જાહેરાત બાદ તેમણે એક કાર્યક્રમમાં કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધ શરૂ થયો છે. આ વિવાદ બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી હતી, ત્યાર બાદ પ્રદેશ પ્રમુખે પણ આ મુદ્દે સમાજને અપીલ કરી હતી. તેમ છતાં એક બાદ એક શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માગ કરવામા આવી રહી છે.
સ્નેહ મિલન સમારોહ
રાજકોટમાં સ્નેહ મિલન સમારોહની જાહેરાત બાદ હવે સુરતમાં પણ આગામી રવિવારે પરશોત્તમ રૂપાલાની હાજરીમાં વધુ એક સ્નેહ મિલન સમારોહની જાહેરાત કરવામા આવી છે. સાતમી એપ્રિલે ગોપીન ગામ, મોટા વરાછા ખાતે સુરત વસતા રાજકોટ, પડધરી, ટંકારા, મોરબી, વાંકાનેર, જસદણ, આટકોટ, વિંછીયા,કોટડા, સાંગાણી, લોધિકા સહિતના ગામના લોકોએ સ્નેહ મિલન સમારોહ યોજાશે, જેમાં પરશોત્તમ રૂપાલા હાજર રહેશે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ રૂપાલાની તરફેણમાં કેમ્પેન થઈ રહ્યું છે. ભાજપના એક ઉમેદવાર માટે વિવિધ સમાજ દ્વારા તરફેણ અને વિરોધ કરવામાં આવતા મામલો ગરમાયો છે. આ વિવાદ ક્યારે શાંત પડશે તે અંગે પણ અનેક અટકળો થઈ રહી છે.








