વીજબિલ ભૂતકાળ બનશે, આજથી સુરતના આ વિસ્તારમાં લાગી રહ્યાં છે સ્માર્ટ વીજમીટર
સુરતમાં ચકરડાવાળાથી ડિજીટલ અને હવે સ્માર્ટ પ્રીપેઈડ મીટર તરફ દક્ષિણ ગુજરાત વીજકંપની આગળ

સુરતમાં ચકરડાવાળાથી ડિજીટલ અને હવે સ્માર્ટ પ્રીપેઈડ મીટર તરફ દક્ષિણ ગુજરાત વીજકંપની આગળ વધી રહી છે. આગામી સોમવાર તા. 8 એપ્રિલના રોજ વીજકંપનીના પીપલોદ ડિવીઝન દ્વારા રહેણાંક એપાર્ટમેન્ટ સુમન શેલમાં 800 મીટર લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. કંપની આગામી 18 મહિનામાં અંદાજે 17 લાખ પ્રીપેઈડ મીટર સુરત સર્કલમાં ફીટ કરશે. આ મીટર લાગ્યા બાદ ગ્રાહકો બિલની ઝંઝટમાંથી મુક્ત થશે અને રકમ જમા કરી જરૂર જેટલો વીજ વપરાશ કરી શકશે.
પ્રીપેઈડ મીટર ફીટ કરાશે
પીપલોદના સુમન શેલ એપાર્ટમેન્ટના 800 ફ્લેટમાં સ્માર્ટ પ્રીપેઈડ વીજ મીટર લગાડવાની કામગીરી 7મી એપ્રિલથી શરૂ થશે. પહેલાં તબક્કાના 18 મહિનામાં 7 ડિવિઝનના 17 લાખ વીજગ્રાહકોના વીજમીટર બદલી સ્માર્ટ પ્રીપેઈડ મીટર ફીટ કરાશે. વીજકંપનીનો સ્ટાફ ઘરે ઘરે જઈ પ્રીપેઈડ મીટર ફીટ કરશે, મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી રિચાર્જની પ્રક્રિયા સમજાવશે.
17 લાખ મીટર લગાવવાનું આયોજન
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ સુરત સિટી, સુરત રૂરલમાં સ્માર્ટ મીટરની સ્માર્ટ શરૂઆતનો અભિયાન શરૂ કરી દેવાયું છે. વીજકંપનીની ટાઉનશિપમાં સફળ પ્રયોગ બાદ હવે પ્રથમ તબક્કામાં 7 ડિવિઝનમાં 18 મહિનામાં 17 લાખ મીટર લગાડવાનું કામ હાથ ધર્યું છે. રોજના 3 હજાર લેખે મહિને 90 હજારથી 1 લાખ મીટર ફીટ કરાશે.
800 ફ્લેટમાં લાગશે મીટર
સોમવારે તા. 8 એપ્રિલે પીપલોદના સુમન શેલના 800 ફ્લેટ માટે સ્માર્ટ મીટર ફીટ કરવાની કામગીરી શરૂ કરાશે. પહેલાં તબક્કામાં સુરત અર્બનના 2.41 લાખ, પીપલોદના 1.83 લાખ, રાંદેરના 3.40 લાખ, સુરત ઈન્ડસ્ટ્રીયલના 89 હજાર, સુરત રૂરલના 3.11 લાખ, વ્યારાના 1.61 લાખ અને કામરેજના 1.81 લાખ મીટર બદલવામાં આવશે. વીજકંપની તબક્કાવાર ગ્રાહકોનો સંપર્ક કરી મીટરો બદલશે.
વીજકંપનીએ મોનિટરીંગ કંટ્રોલ રૂમ બનાવ્યો
સ્માર્ટ પ્રીપેઈડ મીટર શરૂ થયા બાદ વીજકંપનીના સ્ટાફ અને ગ્રાહક વચ્ચેનો સંપર્ક નહીવત થશે. વીજકંપનીએ કંટ્રોલ રૂમ બનાવ્યો છે. આ કંટ્રોલરૂમથી તમામ ગ્રીવેન્સ દૂર કરાશે. વીજકાપના સંજોગોમાં ગ્રાહક એપ્લીકેશન પર ફરિયાદ કરશે તો 15 મિનીટમાં નિકાલ થશે. રિચાર્જ ન કર્યું હોય તેવા સંજોગોમાં પણ વીજકાપ થાય અને ત્યાર બાદ પૈસા ભરતા જ 15 મિનીટમાં વીજપુરવઠો પૂર્વવત્ત થશે. આ સાથે ફોલ્ટના સંજોગોમાં મોનિટરીંગ રૂમમાં એક ક્લીક પર ખબર પડશે કે ચોક્કસ વિસ્તારમાં એકસાથે મોટી સંખ્યામાં વીજમીટરનો સપ્લાય બંધ થયો છે, તેથી ફરિયાદ પહેલાં જ વીજપુરવઠો પુર્વવત્ત કરવાની કામગીરી શરૂ કરી શકાશે.








