સુરતમાં પાટીલનું ડોર ટુ ડોર કેમ્પેઈન, કહ્યું- રાજા-મહારાજાના ઈતિહાસનું કોંગ્રેસને કોઈ જ્ઞાન નથી
સુરતની લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે નવસારી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સી.આર.પાટીલે આ

સુરતની લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે. ત્યારે નવસારી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સી.આર.પાટીલે આજે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. જેમાં પાર્લે પોઈન્ટ અને ભટાર વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈને મત આપવાની અપીલ કરી હતી. સાથે જ લોકોને કહ્યું કે, તમારી ફોનની ડિક્શનરીમાં હોય તેટલા નંબર પર ફોન કરીને તેઓ જ્યાં પણ રહેતા હોય ભાજપને મત આપવા અપીલ કરવા કહ્યું હતું. કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે રાજા-મહારાજાઓ વિષે પણ જેમ તેમ બોલે છે. કારણ કે, કોંગ્રેસને ઈતિહાસ જાણવામાં કોઈ રસ નથી કે, તેમની પાસે જ્ઞાન પણ નથી.
મોદી માટે મત માગો
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે લોકોને સંબોધન કરતાં કહ્યું કે, હું કોઈની પાસે વોટ માંગવા નથી આવ્યો. પરંતુ તમારી પાસે જે તાકાત છે. તેનો પૂરો ઉપયોગ થાય તે માટે આવ્યો છું. તમારી પાસે મોબાઈલમાં જે લોકોના સંપર્ક નંબર છે. જે લોકો તમારા જાણીતા છે. તેમને ફોન કરીને મોદી સાહેબના 400 પારના સંકલ્પને પૂરો કરવા એક એક ફોન કરો.. એ બીજાને કરશે એમ કરતાં આખા દેશમાંથી ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તે કરવાનું છે. માટે એક ફોન કરવો ખૂબ જ જરૂરી છે.
કોંગ્રેસ માફી માગે
પરેશ ધાનાણીએ આપેલા વિવાદીત નિવેદન અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવી રહ્યો છે. ગમે તે સમાજ માટે ગમે તેમ નિવેદન કરવા કોંગ્રેસનો સ્વભાવ છે. રાજકીય ઇતિહાસ જાણવામાં કોંગ્રેસને કોઈ રસ નથી. ગુજરાત અને દેશના રાજા-મહારાજાઓનો કોંગ્રેસે અભ્યાસ કરવો જોઈએ. ગુજરાતની તમામ 26 બેઠકો પર કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. જેના કારણે ગમે તેવા નિવેદનો કરે છે. હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી. કોંગ્રેસ દ્વારા પટેલ અને ક્ષત્રિય સમાજ માટે નિવેદન કરી અપમાન કરાયું છે. આજે રાજાઓનું મહત્વ છે,કોંગ્રેસે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ.








