સુરતના ચૂંટણી સંગ્રામનો નાટકીય ઢબે અંત, મતદાન પહેલાં જ ભાજપે લોકસભા બેઠક જીતી
સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે બે વાગ્યે અંત આ

સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે બે વાગ્યે અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા છે. આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. જેથી ઈતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે.
ફિલ્મી ઢબે પ્યારેલાલ પ્રગટ થયાં
બહુજન પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, તેનો પણ આજે સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે. બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. હવે આ બેઠક પર ઈલેક્શન નહીં થાય. મુકેશ દલાલ બિનહરિફ વિજેતા ઘોષિત થવાનો રસ્તો સાફ થયો છે. આ અગાઉ બહુજન પાર્ટીના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું. ઉમેદવાર પ્યારેલાલ અને પાર્ટીના પ્રમુખે રવિવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતો પત્ર સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને મોકલ્યો હતો. દરમિયાન આજે નાટકીય ઢબે પ્યારેલાલે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.
કુંભાણી બાદ વિકેટો ટપોટપ પડી
આ સમગ્ર પોલિટિકલ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત શનિવારે બપોરથી થઈ હતી, જ્યારે સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી. આ એફિડેવિટ બાદ નિલેશ કુંભાણીની ઉમેદવાર રદ થશે તેવી ચર્ચા ઉઠી હત. 24 કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાઈ હતી. કુંભાણીની ઉમેદવારી કેન્સલ થયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઉઠી હતી. ચર્ચા સાચી પડી છે.
ભાજપ સિવાયના ઉમેદવારો હટી ગયા
સુરતની બેઠક પરથી કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં ફોર્મ ચકાસણી વખતે 6 ઉમેદવારના ફોર્મ રદ થયા હતાં. હવે ચૂંટણી જંગમાં 9 ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા 8 ઉમેદવારો મેદાનમાં હતા. આ 8માંથી બાકીના 8 ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. જેથી ન સર્જાયો હોય તેવો ઈતિહાસ સર્જાયો છે.








