મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગીરવે મૂકાયેલી કારની આ રીતે HSRP નંબર પ્લેટ બદલાતી, સુરતમાં અકસ્માત સર્જાતા ફૂટ્યો ભાંડો 

સુરતમાં અકસ્માતોની ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે. ત્યારે અકસ્માત સર્જનારને વાહનની

ગીરવે મૂકાયેલી કારની આ રીતે HSRP નંબર પ્લેટ બદલાતી, સુરતમાં અકસ્માત સર્જાતા ફૂટ્યો ભાંડો 

સુરતમાં અકસ્માતોની ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે. ત્યારે અકસ્માત સર્જનારને વાહનની નંબર પ્લેટના આધારે ઝડપી લેવામાં આવતાં હોય છે. પરંતુ ગીરવે મૂકાયેલી કારની નંબર પ્લેટ બદલીને બોગસ નંબર સાથે ફેરવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જેની તપાસમાં કારનો નંબર બદલવાનો સમગ્ર ખેલ સામે આવ્યો હતો. જે જાણીને સૌ કોઈ ચોંકી ઊઠયું હતું.

માત્ર પાછળ HSRP નંબર પ્લેટ હતી

ગત 4 માર્ચના રોજ સિંગણપોર વિસ્તારમાં મોપેડ સવાર હીરાના કારખાનાના આધેડ મેનેજર ધીરૂ ડોબરીયા અને તેમની પત્ની શારદાબેનને કાર નં. જીજે-5 જેપી-0023 ના ચાલકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ધીરૂભાઇનું બે દિવસ બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતની આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક ભાવિન પરબત માંડવીયાની ધરપકડ કરી હતી. જો કે કારની આગળ-પાછળને બદલે માત્ર પાછળ એચએસઆરપી નંબર પ્લેટ હોવાથી પોલીસને શંકા જતા રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસ કરતા પોલીસે રામકૈલાશ ગંગાપ્રસાદ મૌર્યાના ઘરે પહોંચી હતી. 

ઓળખ છુપાવવા કિમીયો કર્યો

રામકૈલાશે ઉપરોકત નંબર વાળી કાર વર્ષ 2022 માં દલાલ રમેશ વિઠ્ઠલ વરીયા પાસેથી ખરીદી હતી અને હાલમાં તે પોતાના કબ્જામાં છે. જેથી પોલીસ ચોંકી ગઇ હતી અને એન્જીન-ચેસીસ નંબરના આધારે તપાસ કરતા ટાટા ઝેસ્ટ કારનો રજીસ્ટ્રેશન નં. જીજે-5 બીઝેડ-3186 અને સંજય રાઠોડની માલિકીની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ભાવિનની પૂછપરછ કરતા કાર તેના મિત્ર પ્રદીપ છગન કાકલોતરની હોવાનું જણાવતા પોલીસે પ્રદીપના ઘરે પહોંચી હતી. પ્રદીપે કબૂલાત કરી હતી કે વર્ષ 2021 માં કતારગામના ફાઇનાન્સર કરણ બોદરાની ઓફિસમાં કામ કરતો હતો ત્યારે કરણ પાસે સંજય રાઠોડે કાર ગીરવે મુકી હતી. કરણ પાસે રૂ. 1 લાખની લેણી રકમ સામે કાર લઇ લીધી હતી અને ગીરવે મુકાયેલી કારની ઓળખ છુપાવવા મિત્ર રાહુલ વરીયા પાસેથી કાર નં. જીજે-5 જેપી-0023 ની આર.સી બુક અને તેના આધારકાર્ડ મેળવી એચએસઆરપી નંબર પ્લેટ બનાવડાવી હતી.

આ સમાચાર શેર કરો