મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નકલી ડેપ્યુટી કલેકટર બની મહિલાએ તફડાવ્યાં  12.38 લાખના દાગીના, જાણો ભેજાબાજની કરતૂત

મહિલાઓની મીઠી મીઠી વાતોમાં આવી જતાં પુરૂષોની આંખો ઉઘાડતો ચોંકાવનાર

સુરતમાં નકલી ડેપ્યુટી કલેકટર બની મહિલાએ તફડાવ્યાં  12.38 લાખના દાગીના, જાણો ભેજાબાજની કરતૂત

મહિલાઓની મીઠી મીઠી વાતોમાં આવી જતાં પુરૂષોની આંખો ઉઘાડતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના માનદરવાજા વિસ્તારમાં જ્વેલરીની દુકાનમાં મહિલા ગઈ હતી. જ્યાં તેણીએ ગાંધીનગરમાં નાયબ ક્લેક્ટર હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ મહિલાએ જ્વેલર્સને મીઠી વાતો કરવાની સાથે સાથે કાગળ બતાવ્યા હતાં. જેથી મહિલાએ દુકાનમાંથી દાગીના આપ્યા હતાં. પરંતુ પછી જ્યારે રૂપિયા ન આવતાં ઠગ મહિલાનો ભાંડો ફૂટ્યો હતો, જેથી તપાસ કરનાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જ્વેલર્સને આપી નાયબ કલેક્ટરની ઓળખ

માન દરવાજાના ચામુંડા જવેલર્સના નામે સોના ચાંદીના દાગીનાની દુકાનમાં ગત 31 માર્ચના રોજ એક મહિલા આવી હતી. આ  મહિલાએ પોતાની ઓળખ હેતલકુમારી સંજયભાઈ પટેલ તરીકે આપી હતી. પોતે મૂળ નવસારીના વાંસીયા તળાવ કોઠાર ફળીયાની વતની છે, તેમ કહી ગાંધીનગર ખાતે નાયબ કલેકટર હોવાનું તેમજ તેણીનો પતિ બનાસ ડેરીમાં ચીઝ ડિપાર્ટમેન્ટમાં મેનેજર હોવાનું કહ્યું હતું. 

આવી વાત કરીને દાગીના ખરીદ્યા

મહિલાએ જ્વેલર્સની દુકાનમાં આવીને કહ્યું કે, હું સુરતમાં કાર ખરીદવા આવી છું. પરંતુ બે દિવસ અગાઉ મોબાઈલ ચોરાઈ ગયો હતો. જેની ફરિયાદ સારોલી પોલીસમાં કરી હોવાની અરજી પણ બતાવી હતી. જે અરજીમાં તેણીએ પોતે ડેપ્યુટી ક્લેક્ટર હોવાનું લખાવ્યું હતું. જેથી દુકાનના માલિકને વિશ્વાસ બેઠો હતો. તેમ છતાં સારોલી પોલીસમાં દુકાન માલિકે તપાસ કરી હતી. જ્યાં આ ફરિયાદ હકીકતની હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ દુકાનમાં લગભગ સવા ત્રણ કલાક રોકાયેલી હેતલકુમારીએ રૂ.12,38,310ના સોનાના દાગીના ખરીદ્યા હતા.  પોતે રોકડા રૂપિયા લાવી નથી, એટીએમ કાર્ડ મોબાઈલ ફોન સાથે ચોરાયા હોવાથી બેન્કના ચેક આપવાની વાત કરી હતી. જેથી દુકાનદારે ચેક લઈને દાગીના આપી દીધા હતાં.

ચેક રિટર્ન થતાં ભાંડો ફૂટ્યો

દુકાનદારે ચેક બેન્કમાં જમા કરાવ્યો હતો. પરંતુ ત્રણ દિવસ બાદ તે રિટર્ન થયો હતો. જેથી દુકાનદારે ફોન કર્યો તો હેતલકુમારીએ કહ્યું કે, મારા એકાઉન્ટમાં પૈસા છે. તો ચેક કેવી રીતે બાઉન્સ થાય? આથી દુકાનદાર લખાભાઈએ બેંકમાં તપાસ કરાવી હતી. જેમાં તેના એકાઉન્ટમાં કોઈ બેલેન્સ જ નહોતું. આથી તેમણે ગાંધીનગર તપાસ કરાવી હતી. ત્યાં કોઈ હેતલકુમારી નાયબ કલેકટર તરીકે નોકરી કરતી ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી છેતરાયાનું જણાતા લખાભાઈના પગતળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં ફરિયાદના આધારે નાયબ કલેકટર તરીકે ઓળખ આપનાર મૂળ વ્યારાની મહિલાને ઝડપી લેવાઈ હતી.

પોલીસને પણ ગેરમાર્ગે દોરી હતી

મહિલાએ પોતાનો 10 હજારનો મોબાઈલ ફોન મોપેડ પર આવેલા બે અજાણ્યા ઝુંટવીને ફરાર થઈ ગયાની ફરિયાદ સારોલી પોલીસ મથકમાં ગત 30 માર્ચના રોજ કરી હતી. ફરિયાદમાં પણ મહિલાએ પોતાની ઓળખ નાયબ કલેકટર તરીકે આપી હતી. જોકે, ફરિયાદમાં પોતે મૂળ નવસારીની નહીં પણ વ્યારા ખાતે ચૌધરી સમાજની વાડીની સામે મુસા રોડ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.

ભેજાબાજ મહિલાએ 10થી વધુ લોકો સાથે આ રીતે કરી ઠગાઈ

સલાબતપુરા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પોતાની ઓળખ નાયબ કલેકટર તરીકે આપનાર હેતલકુમારીએ નવસારી અને વ્યારામાં નોકરી આવવાના બહાને પણ ઠગાઈ કરી છે. અંદાજીત 10થી વધુ લોકો તેની છેતરપિંડીનો ભોગ બન્યા છે.

આ સમાચાર શેર કરો