મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી આવ્યા મીડિયા સામે, કહ્યું ‘કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી’

લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી વોટિંગ પૂર્ણ થયા બાદ ગેરલાયક ઠરેલા સુરતના કોંગ્રેસના ઉમ

સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી આવ્યા મીડિયા સામે, કહ્યું ‘કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી’

લોકસભા ચૂંટણી 2024: ચૂંટણી વોટિંગ પૂર્ણ થયા બાદ ગેરલાયક ઠરેલા સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા છે. તેમને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ‘કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. અત્યાર સુધી ભાજપ સાથે કોઈ સંપર્ક નથી કે ભાજપ સાથે કોઈ લેવા-દેવા પણ નથી. આટલા દિવસથી હું મારા ઘરે જ હતો. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકરો જ હતા. હું ભાજપની નહીં પણ મારી ગાડીમાં ફોર્મ ભરવા ગયો હતો. ધક્કા મુક્કી ના થાય એટલે હું પાછળના દરવાજાથી ગયો હતો. મારે કોઈના પર આરોપ લગાવીને કોઈને મોટા નથી બનાવવા માંગતો. હું મારા કાર્યકર્તાઓને મળીશ પછી નક્કી કરીશ કે રાજકારણમાં રહેવું કે નહીં. કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે. કોંગ્રેસના સુરતના કાર્યકરો કામ નહતા કરતા. મારુ ફોર્મ કોંગ્રેસના વકીલોએ જ ભર્યું હતું. મારા ટેકેદારો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથે બદલો લીધો અને હું મારા ટેકેદારો અને કાર્યકરોના સમર્થનમાં છું. હું મારો પોતાનો વોટ આપવા માટે પણ હું ઘરેથી બહાર નહતો નીકળ્યો.’

સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણી કોંગ્રેસના ઉમેદવાર હતા. પરંતુ, ટેકેદારોની ખોટી સહીના ખુલાસા બાદ નાટ્યાત્મક રીતે તેમનું ફોર્મ રદ્દ થયું હતું. ચૂંટણી લડવા પહેલાં જ કોંગ્રેસ સુરત લોકસભા બેઠક હારી ગયું હતું.

22 દિવસથી નિલેશ કુંભાણી ગાયબ હતા

ફોર્મ રદ્દ થયા બાદ પાછલાં 22 દિવસથી નિલેશ કુંભાણી ગાયબ હતા. કોંગ્રેસ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા ત્યાર બાદ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કુંભાણીએ જે બન્યું તેના માટે કોંગ્રેસના આગેવાનોને જ દોષિત ઠેરવ્યા હતા. બાદમાં તેમના પત્ની ઘરે પરત આવ્યા હતા. તેઓ પણ આવી રહ્યાં હોવાની ચર્ચા ઉઠી હતી. કુંભાણીના ઘરે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો, પરંતુ તે આવ્યા નહોતા. હજુ સુધી કુંભાણીનો કોઈ પત્તો નથી, ત્યારે તેમને શોધવા ક્રોધિત કોંગ્રેસીઓ રઘવાયા થયા છે.

મોડે મોડે કોંગ્રેસ જાગી, સુરતમાં કુંભાણી, હોસ્ટાઈલ સમર્થક સહિત ચૂંટણી અધિકારી સામે ગુનો દાખલ કરવા કરી છે અરજી

સુરત લોકસભા બેઠક ભાજપે ચૂંટણી પહેલા જ ઝૂંટવી લીધી છે. ત્યારે ફોર્મ રદ્દ થવા પર કોંગ્રેસમાં થયેલા ડ્રામાને લઈને ચૂંટણી કમિશને તો સૂઓમોટો નહોતો લીધો પરંતુ હવે કોંગ્રેસ મોડે મોડે જાગી હોય તેવું સામે આવ્યું છે. મતદાનના એક દિવસ અગાઉ જ કોંગ્રેસના નેતા દ્વારા વકીલ મારફતે પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. જેમાં ફોર્મ રદ્દ કરાવવામાં મહત્વની ભૂમિકા જેની છે તેવા ઉમેદવાર નિલેશ કુંભાણી, હોસ્ટાઈલ થયેલા ડમી ઉમેદવાર અને સમર્થકો સહિત ચૂંટણી અધિકારી સામે ગુનો નોંધવા પોલીસ કમિશનરમાં અરજી કરવામાં આવી છે. ત્યારે પોલીસ કમિશનરે કહ્યું કે, અરજી મળી છે. યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

ફરિયાદ દાખલ કરવા માગ

સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે. પોલીસ કમિશનરને કોંગ્રેસ નેતા અશોક પીંપળે દ્વારા વકીલ ઝમીર શેખ મારફતે અરજી કરવામાં આવી છે. જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાએ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવા માગ કરી છે. જેમાં નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ન હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું. 

સુપ્રીમ સુધી લડી લેવાશે

વકીલ ઝમીર શેખએ કહ્યું કે, ટેકેદારોની ફોર્મમાં પોતાની જ સહી હતી. ટેકેદારોએ ડે.કલેકટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણ પત્ર લીધા હતા. એક ડે. કલેકટર ફોર્મની ખરાઈ કરે અને કલેકટર ફોર્મ રદ્દ કરે છે. સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.  ચુંટણી અધિકારી સામે ફોજદારી ગુન્હો દાખલ કરવા અરજી કરી છે. ભારતમા લોકસભાની ચુંટણીમા કોંગ્રેસના ઉમેદવારોનુ ફોર્મ રદ્દ થવાના બે કિસ્સા છે. જે આવનારા સમયમા ચૂંટણી પ્રક્રિયાને બદલવા મજબૂર કરશે. આ બંને કેસ છેક સુપ્રીમ સુધી જશે.

આ સમાચાર શેર કરો