Surat/ પૂરઝડપે દોડતી BMW એ રિક્ષાને લીધી અડફેટે, કાર ચાલક ફરાર
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવત
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવતી એક લક્ઝરી BMW કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કારની ગતિ એટલી વધારે હતી કે રિક્ષાના કુચ્ચા બોલી ગયા હતા.
પોલીસ સ્ટેશનની નજીક જ સર્જાયો અકસ્માત
આ ઘટના ખટોદરા પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક બની હતી. મધ્યરાત્રિના સમયે એક સફેદ રંગની BMW કાર અંદાજે 100 થી 120 કિમી/કલાકની ફૂલ ઝડપે દોડી રહી હતી. આ દરમિયાન કારે માર્ગ પર જઈ રહેલી એક રિક્ષાને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ સાંભળીને નજીકમાં સૂતા લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ અકસ્માત સર્જ્યો
આ અકસ્માતમાં 31 વર્ષીય રિક્ષા ચાલક નીતિન પાટીલને ગંભીર ઈજાઓ પહોંચી છે. ટક્કરને કારણે નીતિનને માથા અને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં નીતિનનો જીવ બચી ગયો છે. હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઘાયલ યુવાનને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત કરી ભાગી છૂટ્યો
અકસ્માત સર્જ્યા બાદ મદદ કરવાને બદલે BMW કારનો ચાલક પોતાની ગાડી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી લક્ઝરી કારના નંબરના આધારે ચાલકની ઓળખ કરી શકાય.






