Surat/ રીક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરી વીડિયો બનાવી લૂંટ કરનારા ઝડપાયા, એક સગીરની પણ અટકાયત
ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી

ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. મોટા વરાછા વિસ્તારમાં એક ઓટોરીક્ષા ચાલકને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી, તેનો વીડિયો ઉતારી લૂંટ ચલાવનાર ગેંગનો ઉત્રાણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે સગા ભાઈઓ અને એક બાળ કિશોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 21 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ એક ઓટોરીક્ષા ભાડે કરી હતી. રીક્ષા ચાલકને મોટા વરાછાના અલગ-અલગ બે થી ત્રણ સ્થળોએ ફેરવ્યા બાદ, આરોપીઓ તેને એક અવાવરું અને નિર્જન જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં જઈને આરોપીઓએ રીક્ષા ચાલકને ધમકાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
આટલેથી ન અટકતા, નરાધમોએ આ સમગ્ર કૃત્યનો મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રીક્ષા ચાલક પાસેથી રોકડ રૂપિયા 1000ની લૂંટ ચલાવી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ
ભોગ બનનાર રીક્ષા ચાલકે હિંમત દાખવી ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની ગંભીરતાને જોતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ કરવામાં આવી હતી. ઉત્રાણ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:
-
વિજય મેઘજીભાઇ ભોજવીયા
-
અર્જુન મેઘજીભાઇ ભોજવીયા (બંને સગા ભાઈઓ)
-
એક બાળ કિશોર (કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર)
ડીસીપી લખધીરસિંહ ઝાલાનું નિવેદન
સુરત પોલીસના ડીસીપી લખધીરસિંહ ઝાલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, "આરોપીઓએ રીક્ષા ભાડે કરી રીક્ષા ચાલકને અવાવરું જગ્યાએ લઈ જઈ આ જઘન્ય અપરાધ આચર્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓની ઓળખ કરી તેઓની ધરપકડ કરી છે. ગુનામાં વપરાયેલ મોબાઈલ અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે."








