PM મોદીના નવસારીના કાર્યક્રમને લઈને ટોલમુક્તિનો આદેશનો વિરોધ, નિયમ પ્રમાણે છૂટછાટ આપવા PMOને રજૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે નવસારીમા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે નવસારીમાં યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. 24/02/2025 નાં રોજ એક દિવસના ટોલ રાહતના આદેશ આપવામાં આવ્યાં છે. જેથી આ બાબતના વિરોધને દર્શાવતી રજૂઆત પ્રધાનમંત્રી કાર્યાલય સહીત સબંધિત વિભાગોમાં કરવામાં આવી છે.જો કે, નેશનલ હાઈવે ઓથોરિટીએ કહ્યું કે, લેટર મળ્યો છે. પરંતુ અમે નિયમ પ્રમાણે જ ટોલ લઈશું.
નેશનલ હાઈવે કેન્દ્રનો વિષય
કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક દ્વારા લખાયેલા પત્રમાં કહેવાયું છે કે, નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા આદેશ તરફ તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવેલા એક દિવસના ટોલ રાહતના આદેશ અને ભારતીય લોકશાહી અને વ્યવસ્થામાં આગામી દિવસોમાં તેની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની અસરો તરફ અમે તમારું ધ્યાન દોરવા માંગીએ છીએ. અમારું માનવું છે કે ગુજરાત રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આપવામાં આવેલ ટોલ રાહત અંગેનો આદેશ અતિરેકપૂર્ણ હકૂમત ક્ષેત્ર બહારનો છે. કારણ કે નેશનલ હાઈવે કાયદો અને ટોલ વસૂલાતની અન્ય કોઈપણ જોગવાઈઓ જિલ્લા કલેક્ટર/રાજ્ય સરકારને ટોલ સંબંધિત બાબતો માટે આદેશ/મુક્તિ આપવાનો કોઈ અધિકાર આપતી નથી જે કેન્દ્રીય વિષય છે અને રાજ્યનો વિષય નથી.
નિયમનો ઉલ્લેખ નથી
આ આદેશ, જે કોઈપણ નિયમો, નિયમનોનો ઉલ્લેખ કરતો નથી અને તેનો કોઈ આધાર નથી, તો ભારતમાં ભવિષ્યના તમામ PM કાર્ય/કાર્યક્રમોમાં સમાન અસર થશે અને દરેક રાજ્ય સરકારે PM કાર્ય માટે ટોલ છૂટ આપવાની આ પદ્ધતિનું પાલન કરવું પડશે . અમે લોકશાહી અને લોકશાહી પ્રણાલીમાં માનીએ છીએ, તો આ પ્રકારની પ્રથા માનનીય P.M. માટે યોગ્ય રહેશે નહીં કારણ કે NH કાયદામાં ચોક્કસ શ્રેણીના વ્યક્તિઓ માટે વ્યક્તિગત રીતે છૂટછાટ આપવામાં આવી છે અને સામાન્ય લોકો માટે નહીં કારણ કે ટોલ બૂથના સંચાલકને સૂચના સાથેનું કાર્ય ખાનગી પક્ષ દ્વારા આપવામાં આવે છે.
હસ્તક્ષેપ કરવા રજૂઆત
જો આ આદેશ લાગુ કરવામાં આવે તો દરેક કેન્દ્રીય મંત્રી તેમના પ્રોગ્રામ માટે ટોલ મુક્તિ માંગશે અને રાજ્યના દરેક મુખ્યમંત્રી તેમના કાર્ય માટે આ માંગ કરશે અને રાજકારણીઓની દખલગીરીને કારણે ટોલ સિસ્ટમ પડી ભાંગશે.અમારું દ્રઢપણે માનવું છે કે માનનીય પ્રધાનમંત્રીને સુરત જિલ્લા વહીવટીતંત્ર/GoG દ્વારા લેવામાં આવેલા આવા નિર્ણયની જાણ નહીં હોય. અમે પ્રધાનમંત્રી કાર્યાલયને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ બાબતમાં તપાસ કરે અને NH કાયદાના નિયમો અને જોગવાઈઓ અને ટોલની સૂચનાનું પાલન કરવા માટે જરૂરી પગલાં લે. MORTH/NHAI એ પણ પ્રવર્તમાન ધોરણો અને નિયમો અનુસાર આ બાબતમાં હસ્તક્ષેપ કરવો જોઈએ.








