સુરતના શિક્ષણના ક્ષેત્રમાં ઉઠમણાનો વિચિત્ર કિસ્સો, વિદ્યાર્થીઓની ફીના રૂપિયા લઈ સંચાલક ફરાર
દાન આપનારા સુરતમાં એટલા જ ઉઠમણાં થતાં હોય છે. હીરા, ટેક્સટાઈલ કે જમીન મકાનમા

દાન આપનારા સુરતમાં એટલા જ ઉઠમણાં થતાં હોય છે. હીરા, ટેક્સટાઈલ કે જમીન મકાનમાં તો ઉઠમણાં એકલા સુરતમાં જ ગુજરાત કરતાં વધુ થતાં હોય છે. ત્યારે શિક્ષણ જગતમાં ઉઠમણાંથી ચકચાર મચી છે. સુરતના ડીંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસનાં સંચાલક ૨૦ વિદ્યાર્થીઓની ફીના ૯૪,૬૦૦ રૂપિયા લઈ શટર પાડી દેતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ક્લાસીસમાં નોકરી કરતાં ત્રણ શિક્ષકોના પણ ૧.૧૦ લાખ રૂપિયા નહી ચૂકવવામાં આવ્યાનું બહાર આવતાં વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરૂદ્ધ ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાયું
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ડીંડોલી મણીબા રેસી.,માં રહેતાં અંબેલાલ રામદૌડ પાલ ગોડાદરામાં ઓટો ગેરેજ ચલાવે છે. તેમનાં સાત અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતાં બે સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચીત વ્યક્તિ તેમને ડીંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલાં અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયા હતા. અહીં ક્લાસીસનાં સંચાલક પ્રદિપ માધવપ્રસાદ ઉપાધ્યાય મળ્યા હતા. પોતાનું કલાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી ૧૨,૪૦૦ રૂપિયા ભરવાનું કહેતાં આ ગેરેજ સંચાલકે ત્વરિત ભરી દીધા હતા.
શિક્ષકોના પગાર ન ચૂકવ્યા
૧૪મી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યાના ૨૫માં દિવસે આ ક્લાસીસ બંધ થઇ ગયાનું જાણવા મળતાં અંબેલાલ ગૌડ ક્લાસીસ પર પહોંચ્યા હતા. અહીં તેને બીજાં ૧૮ વાલીઓ મળી આવ્યા હતા. જેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલકે શટર પાડી દીધું હતું. ૨૦ વિદ્યાર્થીઓ સાથે ૯૪,૬૦૦ની છેતરપિંડીને લઈ વાલીઓ ત્યાં નોકરી કરતાં શિક્ષકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આ શિક્ષકો પણ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું. અહીં નોકરી કરતાં ત્રણ શિક્ષકોનો ૧.૧૦ લાખનો પગાર પણ સંચાલક પ્રદિપ ઉપાધ્યાયે આપ્યો નહિ હોવાનું શિક્ષકો દ્વારા પહેલેથી જ ડીંડોલી પોલીસને અરજી કરાઈ હતી. વાલીઓ પણ આ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.








