ગોંડલ યુવક મોત મામલે જિલ્લા પોલીસ વડાનું નિવેદન, 'યુવક માનસિક અસ્વસ્થ', જાણો પિતાએ શું કહ્યું
ગોંડલના યુવકનો ગુમ થવાનો મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી હતી. જિ

ગોંડલના યુવકનો ગુમ થવાનો મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી હતી. જિલ્લા પોલીસવડા હિમકરસિંહે નિવેદન આપ્યું કે, પોલીસે નિષ્પક્ષ તપાસ કરી છે. જિલ્લા પોલીસ વડાએ યુવક જ્યારથી ગુમ થયો ત્યારથી દર કલાકના cctv મીડિયાને આપ્યા. જે રાત્રે યુવક ગુમ થયો ત્યારે ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે તે સામેથી અંદર ગયો હતો.
પિતા અને પુત્ર વચ્ચે ઘર કંકાસને કારણે બંગલા બહાર બબાલ થઈ
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, પિતા અને પુત્ર વચ્ચે ઘર કંકાસને કારણે બંગલા બહાર બબાલ થઈ હતી. બબાલ થતા પ્રથમ યુવક જ બંગલાની અંદર ગયો હતો. યુવક અંદર ગયા બાદ પિતા પણ અંદર ગયા હતા. ત્યાર બાદ અંદર રહેલા 7થી 8 ગાર્ડ સાથે બંનેને બબાલ થઈ હતી. પિતા પુત્રને મારવાની વાત પોલીસે નકારી હતી. બોલાચાલી થતા બંને પિતા પુત્રને બંગલામાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. બંગલાના cctv ફૂટેજ પણ અમે જાહેર કરીશું. યુવક માનસિક અસ્વસ્થ, અગાઉ પણ ત્રણ વખત ઘરેથી જતો રહ્યો હતો.
ગોંડલ યુવક મોત મામલે મૃતકના પિતાએ આપ્યું નિવેદન
ગોંડલના યુવાનના મોતના મામલે મૃતકના પિતાનું નિવેદન સામે આવ્યુ છે. મૃતકના પિતાએ જણાવ્યું છે કે, મેં જે અગાઉ કીધું હતું તે થયું છે. મારા દીકરા સાથે શું થયું, શું નહીં તેની મને ખબર નથી. મારી સાથે જે બનાવ બન્યો ત્યારથી હું એક જ વાત કહી રહ્યો છું, અમને ન્યાય જોઈએ છીએ. હું 30 વર્ષથી ગોંડલમાં રહું છું પણ આવું પ્રથમ વખત બન્યું છે. મારા દીકરાની હત્યા થઈ હોય તેવી મને શંકા છે, જે પણ હોય અમને બસ ન્યાય જોઈએ છે.
'આ એક હત્યા છે, હું તેના માટે લડીશ'
ગુજરાતમાં ચકચારી જગાવનાર આ ઘટના બાબતે મૃતકની બહેને ચોંકાવનારો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, 'જયરાજસિંહના બંગલામાં તેના ભાઈને મારતા હોવાના CCTV સ્થાનિક પોલીસે જોયા છે'. સાથે જ પોતાના ભાઈને ન્યાય મળે અને ગુનેગારોને સજા થાય તે માટે છેક સુધી લડી લેવાની વાત મૃતક રાજકુમાર જાટની બહેને કરી છે.
મૃતકના પિતાનો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આક્ષેપ
મૃતક રાજકુમાર જાટ ગોંડલના ગાયત્રીનગરમાં રહેતો હતો. તેના પિતા રતનલાલ શંકરલાલ જાટ પાઉંભાજીનો ધંધો કરે છે. રતનલાલનો આક્ષેપ છે કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અમને અટકાવીને જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જયરાજસિંહના બંગલેથી અમે પુત્ર સાથે ઘરે પરત ફર્યા હતાં. પરંતુ, બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો. પરંતુ, બાદમાં તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરી હતી, પરંતુ તેમણે ફરિયાદ ન લેતા રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, જ્યાર બાદ ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી'.








