મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ઘાટલોડિયાના યજ્ઞ પુરુષ ફ્લેટની સીડી ધરાશાયી, ફાયરવિભાગે પાંચના બચાવ્યા જીવ

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. સવારના ૬થી રાત્રિના ૮ કલાક સુધીમાં નરોડામાં સૌથી વધુ

અમદાવાદ: ઘાટલોડિયાના યજ્ઞ પુરુષ ફ્લેટની સીડી ધરાશાયી, ફાયરવિભાગે પાંચના બચાવ્યા જીવ

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. સવારના ૬થી રાત્રિના ૮ કલાક સુધીમાં નરોડામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ ખાબકયો હતો.પૂર્વના નિકોલ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા ગોતા અને સાયન્સ સિટી વિસ્તારમાં તથા રાણીપમાં બે ઈંચ ઉપરાંત વરસાદ વરસી પડતા અનેક સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.

યજ્ઞ પુરુષ ફલેટની સીડી ધરાશાયી 

ઘાટલોડીયામાં આવેલા યજ્ઞ પુરુષ ફલેટની સીડી ધરાશાયી થતા ફસાયેલા પાંચ લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા.રાત્રિના ૮ કલાક સુધીમાં શહેરમાં સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યો હતો હતો. અત્યારસુધીમાં શહેરનો મોસમનો વરસાદ ૧૨.૪૫ ઈંચ થવા પામ્યો છે.હજુ વધુ વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા થોડા સમય માટે બંધ કરવાની મ્યુનિસિપલ તંત્રને ફરજ પડી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ સતત બીજા દિવસે ગુરુવારે બપોરના ચાર કલાકથી વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.પૂર્વ અમદાવાદના નિકોલ વિસ્તાર ઉપરાંત ગોતા અને સાયન્સ સિટી જેવા વિસ્તારમાં ૨૦ મિનીટના સમયમાં પોણો ઈંચ જેટલો વરસાદ વરસી પડતા  અનેક સ્થળે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.વરસાદી પાણી ભરાવાના કારણે સાંજના સમયે ઘર તરફ પરત ફરી રહેલા લોકોને વાહન સાથે પરત ફરવામા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ભારે વરસાદને પગલે અખબારનગર અંડરપાસમાં પાણી ભરાયું

સાંજના સમયે પડેલા ભારે વરસાદને પગલે અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા પાણીનો નિકાલ કરવા માટે તંત્ર તરફથી બંધ કરવામા આવ્યો હતો.રાણીપ ઉપરાંત નવરંગપુરા,સોલા, એસ.જી.હાઈવે સહિતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી પડતા લોકોએ અસહય ઉકળાટમાંથી રાહત અનુભવી હતી.સાંજે ૫.૪૫ કલાકના સુમારે ઘાટલોડીયામાં આવેલા  યજ્ઞા પુરુષ ફલેટની સીડી ધરાશાયી થવાની ઘટના બનતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.ફાયરસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ ફલેટ ગ્રાઉન્ડ ઉપરાંત બે માળના છે.જર્જરીત ફલેટ હોવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નોટિસ પણ આપવામાં આવેલી છે.સીડી ધરાશાયી થવાથી એક પરિવારના ચાર સભ્યો તથા અન્ય એક પરિવારના એક મહિલા ફલેટમાં ફસાઈ ગયા હતા.તમામ પાંચ લોકોને ફાયર વિભાગની ટીમે સલામત રીતે નીચે ઉતારી લીધા હતા.વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૩૨.૭૫ ફૂટ નોંધાયુ હતુ.બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો