અમદાવાદ–ખડગપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડશે; આવતીકાલથી બૂકિંગ શરૂ, તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે રેલવેનો નિર્ણય

તહેવારોની મોસમ દરમિયાન ટ્રેનોમાં પેસેન્જરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને ખડગપુર વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 02833/02834 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલનું બંને દિશામાં મળીને કુલ બે ટ્રિપનું સંચાલન કરવામાં આવશે. આ ટ્રેનના સંચાલનથી ગુજરાત સહિત માર્ગમાં આવતા વિવિધ શહેરોના પેસેન્જરોને લાંબા અંતરની મુસાફરી માટે વધારાની સુવિધા મળશે.
ટ્રેનનું સમયપત્રક
ટ્રેન નંબર 02833 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલ 23 ઓક્ટોબર, શુક્રવારે અમદાવાદથી સવારે 9:40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 5:10 વાગ્યે ખડગપુર પહોંચશે.
ટ્રેન નંબર 02834 ખડગપુર–અમદાવાદ સ્પેશિયલ 21 ઓક્ટોબરે ખડગપુરથી સવારે 5 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા અને ટાટાનગર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને સેકન્ડ જનરલ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.
કાલથી બુકિંગ શરૂ
ટ્રેન નંબર 02833 અમદાવાદ–ખડગપુર સ્પેશિયલનું બુકિંગ 22 ઓક્ટોબર, ગુરુવારે સવારે 8 વાગ્યાથી તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.











