સોયાબીનનો પાક કાપતા ખેડૂત પર મધમાખીઓનો જીવલેણ હુમલો! જામજોધપુરમાં 68 વર્ષીય ખેડૂતનું કરુણ મોત

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે વાડીએ સોયાબીનનો પાક કાપી રહેલા ખેડૂત પર મધમાખીઓએ હુમલો કરતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસમાં નોંધાયેલી અકુદરતી મૃત્યુની વિગત મુજબ, શેઠવડાળા ગામના અરવિંદભાઈ મગનભાઈ ડઢાણિયા (ઉં.વ. 68) તા. 20 ઑક્ટોબરના રોજ સવારે આશરે નવ વાગ્યે પોતાની વાડીએ સોયાબીનનો પાક કાપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક મધમાખીઓનું ઝૂંડ આવી પહોંચ્યું હતું અને તેમને શરીર પર અનેક ડંખ માર્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકુદરતી મૃત્યુની નોંધ કરવામાં આવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એન. આસાણી વધુ તપાસ ચલાવી રહ્યા છે.







