સુરતની લાજપોર જેલમાં મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત્, 15 દિવસમાં 22 ફોન મળ્યા

સુરતની સેન્ટ્રલ લાજપોર જેલમાં પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવવાનો સિલસિલો યથાવત રહેતાં જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. જેલની પાણીની પાઈપલાઈનમાંથી વધુ ચાર મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ ઘટનાને પગલે જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
પખવાડિયામાં 22 ફોન મળ્યા
મળતી માહિતી મુજબ, છેલ્લા 15 દિવસમાં લાજપોર જેલમાંથી કુલ 22 મોબાઈલ ફોન મળી આવ્યા છે. એક તરફ જેલમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા DGP દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ જેલમાંથી સતત મોબાઈલ મળી આવતાં સુરક્ષા વ્યવસ્થાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
જેલના અધિકારીઓ શંકાના દાયરામાં
જેલમાં કેટલાક કેદીઓ દ્વારા કથિત રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોવાની અને તેમને કેટલાક અધિકારીઓનું પીઠબળ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કેટલાક કેદીઓની બદલી કરવામાં આવી હોવા છતાં વગદાર કેદીઓ સામેની કાર્યવાહી અંગે પણ સવાલો ઊઠ્યા છે.
આ સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે પહોંચી રહી છે અને તેની પાછળ કોણ જવાબદાર છે, તે તપાસ બાદ સ્પષ્ટ થશે.








