બોગસ પર્ચેસ ઓર્ડર આપી વેપારીને જાળમાં ફસાવ્યો: અમદાવાદમાં માતા-પુત્રએ આચરી અધધ... ₹47 લાખની છેતરપિંડી

અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ રોડ સ્થિત આભૂષણ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા માતા-પુત્રએ સોલા રોડના ગ્રાફિક્સ વેપારીને અસ્તિત્વમાં જ ન હોય તેવી બે ફાર્મા કંપનીઓના બોગસ પર્ચેસ ઓર્ડર મોકલી કુલ રૂ.47.37 લાખની છેતરપિંડી આચરી હતી. આરોપીઓએ સંયુક્ત રીતે રો-મટિરિયલ્સ ખરીદવાના બહાને વેપારી પાસેથી બેંક અને રોકડ મારફતે રૂ. 35.34 લાખ મેળવી લીધા હતા અને પોતાની પેઢીનું કરાવેલું રૂ.12.02 લાખનું પ્રિન્ટિંગ કામ પણ ચૂકવ્યું ન હતુ. આ મામલે વેપારીએ ક્રાઈમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે માતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વેપારી સાથે ફાર્મા કંપનીના નામે ₹47 લાખની છેતરપિંડી
સોલા રોડ સ્થિત ઉત્સવ એલિગન્સ ખાતે રહેતા 51 વર્ષીય હિરેનકુમાર ચીનુભાઈ ગાંધી તેમની પત્ની શીતલબહેનના નામે 'શાર્પ ડિઝાઇન' નામની ફર્મ ચલાવી ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગનો વ્યવસાય કરે છે. જુલાઈ 2024માં તેમના એક પરિચિત મારફતે રોનક પ્રમોદભાઈ ભાવસાર(રહે. સુકૂન રેસિડેન્સી, સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે, ચાંદલોડિયા) સાથે તેમની મુલાકાત થઈ હતી. રોનકે જણાવ્યું હતું કે, તે નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર આવેલા આભૂષણ કોમ્પ્લેક્સમાં પોતાની ‘આર.બી. એન્ટરપ્રાઇઝ’ અને માતા જાગૃતિબહેન પ્રમોદભાઈ ભાવસારના નામે ‘પ્રજા ગ્રાફિક્સ’ નામની ફર્મ ચલાવે છે અને પોતે છેલ્લા 20 વર્ષથી ફાર્મા કંપનીઓનું પ્રિન્ટિંગ કામ સંભાળે છે.
રોનકે હિરેનભાઈને ફાર્મા ક્ષેત્રનું મોટું કામ અપાવવાની ખાતરી આપી સંયુક્ત રીતે પાર્ટનરશિપમાં કામ કરવાની ઓફર કરી હતી. ત્યારબાદ ઓગસ્ટ-2024થી ઓક્ટોબર-2024 દરમિયાન રોનકે ઈમેલ પરથી હિરેનભાઈના મેઇલ આઇડી પર ‘એઇમ ફાર્મા’ના રૂ.33.75 લાખ અને ‘રેજીન ફાર્મા’ના રૂ. 66.64 લાખ મળી કુલ લાખો રૂપિયાના બોગસ વર્ક ઓર્ડર મોકલ્યા હતા. બંને પેઢીઓને એક જ કંપનીના ઓર્ડર મળ્યા હોવાથી જથ્થાબંધ રો-મટિરિયલ્સ સાથે ખરીદીએ તો સસ્તું પડશે તેવું કહી રોનકે હિરેનભાઈ પાસેથી બેંક મારફતે રૂ.23.73 લાખ અને રોકડા રૂ. 11.61 લાખ મળી કુલ રૂ.35.34 લાખ મેળવી લીધા હતા. જો કે, તેણે કોઈ કાચો માલ ખરીદ્યો નહોતો.
ઠગ માતા-પુત્ર સામે ફરિયાદ
આ ઉપરાંત આરોપીઓએ પોતાની ‘પ્રજા ગ્રાફિક્સ’ પેઢીના બ્રોશર, સ્ટીકર અને બોક્સ પ્રિન્ટિંગનું રૂ. 12.02 લાખનું કામ પણ કરાવી લીધું હતું. હિરેનભાઈએ નાણાંની ઉઘરાણી કરતાં માતા-પુત્ર વાયદા કરતા રહ્યા હતા. અંતે શંકા જતાં તપાસ કરતાં સામે આવ્યું હતું કે, જે એઇમ ફાર્મા અને રેજીન ફાર્માના પર્ચેસ ઓર્ડર આપવામાં આવ્યા હતા, તે કંપનીઓ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતી જ નહોતી. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં હિરેનભાઈએ આર્થિક ગુના નિવારણ શાખામાં આ મામલે રોનક ભાવસાર અને જાગૃતિબહેન ભાવસાર સામે ફરિયાદ નોંધાવી છે.










