માણસાના વરસોડા ગામે ખેડૂત પર ફાયરિંગ; સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે થઈ હતી તકરાર, 8 આરોપીઓ સામે ગુનો દાખલ

માણસા તાલુકાના વરસોડા ગામમાં ગરબામાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારની અદાવત રાખીને આઠ શખ્સોએ ખેડૂત પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ખેડૂત અરવિંદસિંહ ચાવડા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં એક ગોળી તેમના જમણા પગના નળાના ભાગે વાગી હતી. ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માણસા પોલીસે ચાર નામજોગ અને ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે થઈ હતી તકરાર
માણસાના વરસોડા ગામમાં અંબાજી માતાના મંદિર પાસે રહેતા 50 વર્ષીય અરવિંદસિંહ હિંમતસિંહ ચાવડા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 18 ઓક્ટોબરે ગામમાં નવરાત્રિના ગરબાનું આયોજન થયું હતું. આ દરમિયાન અરવિંદસિંહના ભત્રીજા વિપુલસિંહે સાઉન્ડ સિસ્ટમ લગાવી હતી. તે સમયે ગામના દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા, જયદિપસિંહ રમણસિંહ ચાવડા, આદિરાજસિંહ ઘનશ્યામસિંહ ચાવડા અને રાહુલસિંહ જીવણસિંહ ચાવડા ત્યાં આવ્યા હતા. સાઉન્ડ સિસ્ટમ વગાડવા બાબતે તેમની સાથે તકરાર થઈ હતી.
પોલીસને જાણ કરતાં આરોપીઓનો ખાર વધ્યો
આ તકરારની અદાવત રાખીને 20 ઓક્ટોબરે સાંજે ચારેય શખ્સો ગામમાં ડેરી પાછળ ભેગા થયા હતા. આ અંગે અરવિંદસિંહના ભત્રીજાએ 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસને જાણ કર્યાનો ખાર રાખીને રાત્રે આશરે સાડા આઠ વાગ્યે ચારેય નામજોગ આરોપીઓ અન્ય ચાર અજાણ્યા શખ્સો સાથે અરવિંદસિંહના ઘર પાસે પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ, દિગ્વિજયસિંહ પાસે બંદૂક હતી, જ્યારે અન્ય શખ્સો લોખંડની પાઇપો અને ધારિયાં લઈને આવ્યા હતા.
બે રાઉન્ડ નિશાન ચૂકી ગયા, ત્રીજી ગોળી પગમાં વાગી
આરોપીઓએ અરવિંદસિંહને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. પ્રથમ બે રાઉન્ડ નિશાન ચૂકી ગયા હતા, જ્યારે ત્રીજો રાઉન્ડ નજીકથી છોડતાં ગોળી તેમના જમણા પગના નળાના ભાગે વાગી હતી. ગોળી વાગતાં અરવિંદસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. આ દરમિયાન તેમના ભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ તેમને ધમકી આપી હતી કે, ‘આજે તો તું બચી ગયો, હવે પછી નામ લીધું છે તો જાનથી મારી નાખીશું.’ ત્યાર બાદ તમામ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત અરવિંદસિંહને 108 મારફતે પ્રથમ ગાંધીનગર અને ત્યાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈ જવાયા હતા. માણસા પોલીસે ફરિયાદના આધારે આઠેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ખનીજ માફિયા સામે અગાઉ પણ નોંધાયો હતો ગુનો
પોલીસ તપાસમાં દિગ્વિજયસિંહ ચાવડા ખનીજ માફિયા હોવાની વિગતો સામે આવી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ સહિતની ટીમનો ફિલ્મી ઢબે પીછો કરીને હુમલાનો પ્રયાસ કરવાના મામલે પણ તેની સામે અગાઉ ગુનો નોંધાયો હતો. નવરાત્રિ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ જેવી બાબતે થયેલી તકરાર હવે ફાયરિંગ સુધી પહોંચતાં ગામમાં ચકચાર મચી છે. હાલ માણસા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.












