મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં જીમમાં પાર્ટીશન કરી ગેરકાયદે ચલાવાતું સ્પા!, આગથી બચવા ટોયલેટમાં ગયેલી બન્ને યુવતીના ગૂંગળામણથી મોત

સુરતના ફોર્ચ્યુન મોલમાં આગ લાગી હતી. મોલમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં આગને પગલે 2 મહિલાના મ

સુરતમાં જીમમાં પાર્ટીશન કરી ગેરકાયદે ચલાવાતું સ્પા!, આગથી બચવા ટોયલેટમાં ગયેલી બન્ને યુવતીના ગૂંગળામણથી મોત

સુરતના ફોર્ચ્યુન મોલમાં આગ લાગી હતી. મોલમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં આગને પગલે 2 મહિલાના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. જોખમી ડિઝાઈન ધરાવતા મોલમાં આગના ધુમાડાના ગૂંગળામણથી બન્નેના મોત થયાં હતાં.

આ પણ વાંચો:સુરતના સીટીલાઇટ વિસ્તારમાં આગ, મસાજ પાર્લરમાં કામ કરતી બે યુવતીઓના મોત

મૃતક સિક્કિમની રહેવાસી 

સ્પામાં કામ કરનારી બંને યુવતીઓ સિક્કિમની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બીનું હંગામાં લીમ્બુ અને મનીષા રોય નામની યુવતીનું મોત થયું છે. મનીષા રોય એક મહિના પહેલા જ સુરત આવી હોવાનું તેની બહેને જણાવ્યું છે. તેની બહેનના કહેવા પ્રમાણે તે ક્યાં કામ કરતી હતી તે અંગે તેને કોઈ માહિતી નથી પરંતુ જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે પહોંચી હતી અને ત્યારબાદ તેની બહેનનું મોત થયું હોવાનું તેને જાણવા મળ્યું હતું.

શું હતી ઘટના?

જિમ-11માં મીટર પેટીમાં આગ લાગતા તેનો ધુમાડો અમૃતયા સ્પામાં પહોંચ્યો હતો. ધુમાડો નીકળવાનું શરૂ થતા સ્પાની 4 મહિલા કર્મચારી અને એક વોચમેન ઘટના સમયે હાજર હતા. વોચમેન અને બે યુવતી બહારની તરફ દોડી ગયા હતા અને બે યુવતીઓ સ્પાના બાથરૂમમાં જતી રહેતા ગૂંગળામણના કારણે તેમનું મોત થયું હતું.

કોમ્પલેક્સને અનેકવાર અપાઈ હતી નોટિસ

આ કોમ્પલેક્સને અગાઉ પાંચ વખત ફાયર NOC માટે નોટિસ અપાઈ ચૂકી છે. જીમમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો, જે અંગે પણ જીમ સંચાલકને નોટિસ ફટકારાઈ હતી. મહત્વપૂર્ણ છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલયની સામે આવેલા કોમ્પલેક્સમાં આગ લાગી હતી.

સ્ટાફ સાફ સફાઈ માટે આવ્યો હતો

પોલીસે કહ્યું કે, લાભ પાંચમ હોવાના કારણે સ્ટાફના લોકો આજે સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા. બીનું અને મનીષા ત્યાં ફસાઈ ગઈ હતી. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે, આગ જિમમાં લાગી હતી. તમામ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન છે કે નહીં તે અંગેની માહિતી એકત્ર કરવામાં આવશે.

તક્ષશિલામાં લાગી હતી આગ

24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટના બાદ લોકોમાં ખૂબ હોબાળો મચી ગયો હતો. ન્યાયની માગ થતાં ફાયર બ્રિગેડ, પાલિકા અને બિલ્ડરને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં હતાં. જો કે, આજે તમામ લોકો જામીન પર બહાર છે.

આ સમાચાર શેર કરો