મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સિંધી સમાજ રંગાયો ગરબાના રંગે, ટ્રેડિશનલ ડ્રેસમાં દશેરાએ જમાવી રંગત

સિંધ પ્રાંતમાંથી ગુજરાતભરમાં વસતો સિંધી સમાજ હવે ભાતિગળ ગુજરાતી બની ગયો છે. સુર

સુરતમાં સિંધી સમાજ રંગાયો ગરબાના રંગે, ટ્રેડિશનલ ડ્રેસમાં દશેરાએ જમાવી રંગત

સિંધ પ્રાંતમાંથી ગુજરાતભરમાં વસતો સિંધી સમાજ હવે ભાતિગળ ગુજરાતી બની ગયો છે. સુરતમાં વસતા સિંધી સમાજ દ્વારા દશેરાની ઉજવણી કરતાં ગરબા રમ્યાં હતાં. સિંધી સમાજની પાંચ સંસ્થાઓના એક સાથે ગરબા યોજાયાં હતાં.જેમાં 1500 જેટલા ખેલૈયાઓ ગરબાના સ્ટેપ્સ કરતાં જોવા મળ્યાં હતાં. ગરબામાં 6 કેટેગરીમાં 4 અલગ અલગ પ્રાઈઝ આપવામાં આવ્યાં હતાં. સાથે જ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેમાં વેશભૂષા સાથે સિંધી સમાજના ભાઈ-બહેનોએ ત્રણ તાળી, દોઢિયા, રાસ-ગરબા સહિતના સ્ટેપ્સ ગુજરાતીઓને શરમાવે તે રીતે કર્યા હતાં.

સિંધી સમાજની પાંચેય સંસ્થાઓને એક તાતણે બાંધીને સિમ્મી જગવાનીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેમની દૂરંદેશીતાથી પાંચેય સંસ્થાઓએ એક થઈને સહકાર આપ્યો હતો. વરસાદી માહોલમાં જ્યારે ખુલ્લા પાર્ટી પ્લોટની જગ્યાએ ડોમમાં આયોજન કરવાનું થયું ત્યારે પણ મહિલા અગ્રણી એવા સિમ્મી જગવાનીએ ભારે ધીરજ અને ખંતથી તમામને સાથે રાખીને સ્થળ બદલ્યું હતું. જેને લોકોએ ભારે પ્રતિસાદ આપ્યો હતો.

પૂજ સુરત સિન્ધી પંચાયત સુરતના પ્રમુખ વાસુદેવ ગોપલાણીએ કહ્યું કે, સુરતની પાંચ સંસ્થાઓ ઝુલેલા સિન્ધુ સેવા યાત્રા સમિતી ટ્રસ્ટ, ઝુલેલાલ સિન્ધી યુવક મંડળ (પાનલપુર કેનાલ), પાલ સિન્ધી પરિવાર, સિન્ધી હેલ્પિંગ હેન્ડસર રામનગર તથા સમસ્ત સિન્ધી સમાજ યુવક અને મહિલા મંડળ દ્વારા આયોજીત નવરાત્રિ વંદના સિન્ધી ગરબા મહોત્સવનું આયોજન પાલ વિસ્તારમાં સેલેસિયા ડોમમાં આયોજન કરવામાં આવ્યું હતું. સિન્ધીઓ હવે ગુજરાતમાં વસીને તેની પરંપરા પ્રમાણે સમાજની મુખ્ય ધારામાં રહીને ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં બધાએ હળી મળીને માતાજીની આરાધના કરી હતી.

ધનશ્યામ ખટ્ટરએ કહ્યું કે, સમગ્ર આયોજન પ્રમુખના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું. ઘણા દિવસોથી આયોજન કરતાં હતાં. તેમાં પણ છેલ્લા દિવસે વરસાદ આવી જતાં તાત્કાલિક સ્થળ બદલવાની ફરજ પડી હતી. તેમ છતાં સમાજના લોકોએ ભરપૂર સાથ આવ્યો હતો. ડોમ નાનો પડ્યો હતો. ઉત્સાહ અને ઉમંગભેર ખેલૈયાઓએ ભાગ લીધો હતો. કુલ છ કેટેગરીમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યાં હતાં. વિજેતાઓને અનિલ જેતવાનીએ તથા સદાશિવ દ્વારા કેશ પ્રાઈઝ વિજય વાઘવાનીએ કોન્સોલેશન આપ્યાં હતાં. સાથે જ તમામ 108 બાળકોને ગીફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

સિંધી સમાજના ગરબા માટે પાંચેય સંસ્થાઓના વાસુદેવ ગોપલાણી, ઘનશ્યામ ખટ્ટર, સિમ્મી જગવાણી, ત્રિલોક થદાની, મનીષ જસવાણી, મયુર હોટવાની, કિરીટ સંગતાની, હરીશ થદાની, રણજીત ચંદાની, મયુર વાટવાણી, વિજય વાઘવાણી, તરુણા વાઘવાની, હની ભાવનાની અને ટીમ બીએસએસની લેડીઝ વિંગ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો