કેસરી કલરનું કપડું અને 800 શકમંદો, સિદ્ધપુર પોલીસે 40 દિવસ બાદ મહિલાના હત્યારાને આ રીતે ઝડપી પાડ્યો
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં 40 દિવસ પહેલા મંદિરની બહાર પૂજાપો વેચતી એક મહિલાની હત

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં 40 દિવસ પહેલા મંદિરની બહાર પૂજાપો વેચતી એક મહિલાની હત્યા થઈ હતી. આ મહિલાનો મૃતદેહ એક ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. સિદ્ધપુર પોલીસ પાસે આ મહિલાના હત્યારા સુધી પહોંચવા એક માત્ર પુરાવો હતો કેસરી કલરનું કપડું, જે હત્યારાએ પોતાની કમરે બાંધ્યું હતું. આખરે સિદ્ધપુર પોલીસે 40 દિવસ બાદ 800 શકમંદોમાંથી આ મહિલાના હત્યારાને ઝડપી પાડ્યો છે.
ઝાડ સાથે લટકતો મળી આવ્યો મહિલાનો મૃતદેહ
20 જુલાઈના રોજ શિવસાગર હનુમાનજી મંદિર પાછળ આવેલી બાવળની ઝાડીમાંથી કેસરબેન રાવલનો મૃતદેહ સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં ઝાડ સાથે લટકતો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા મૃતક મહિલાના પુત્રએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ માતાની હત્યાની ફરિયાદ આપતા સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસની વિવિધ ટીમો બનાવાઈ
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભુજ રેન્જ આઈજી અને પાટણ જિલ્લા પોલીસવડાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ આ હત્યાનો ગુનો ઉકેલવા માટે સિદ્ધપુર પોલીસને વિવિધ ટીમો બનાવવા આદેશ કર્યો હતો.
સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ., LCB પી.આઈ., SOG પી.આઈ., સાયબર સેલના પી.આઈ.ના વડપણ હેઠળ ટીમો બનાવવામાં આવી હતી.
CCTV ચેક કરી 800 જેટલા વ્યક્તિઓને શકમંદ તરીકે તારવવામાં આવ્યાં
સૌપ્રથમ ઘટનાસ્થળની આજુબાજુના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. આ સાથે મોબાઈલના ટેક્નિકલ સર્વેલન્સ સાથે હ્યુમન રિસોર્સ અને FSLની મદદથી સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યાં હતા.
એક CCTV ફૂટેજની ચકાસણી દરમિયાન પોલીસની ટીમોને જાણવા મળ્યું હતું કે એક શખ્સે કમરથી નીચે કેસરી કલરનું કપડું બાંધેલું છે. આ ઉપરાંત ફરીથી તપાસ શરૂ કરી કોલ ડીટેલ ચેક કરવામાં આવી હતી અને 800 જેટલા વ્યક્તિઓને શકમંદ તરીકે અલગ તારવવામાં આવ્યાં હતા. પોલીસની વિવિધ ટીમોએ આ 800 શકમંદોની વિગતવાર પૂછપરછ કરી હતી.
હત્યારા કલ્પેશ પાસેથી મળી આવ્યું કેસરી કલરનું કપડું
સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને LCB પી.આઈ.ને જાણવા મળ્યું હતું કે મહિલાની હત્યા કરનાર લુખાસણ ગામનો જ કલ્પેશ ડાયાભાઇ વાલ્મિકી હોઈ શકે છે. પોલીસની ટીમોએ કલ્પેશની પૂછપરછ કરતા તેણે આ મહિલા કેસરબેન રાવલની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. કલ્પેશ પાસેથી CCTVમાં દેખાયેલું કેસરી કલરનું કપડું પણ મળી આવ્યું હતું.
ગઈકાલે 30 ઓગષ્ટે પોલીસની ટીમો કલ્પેશને ગુનાના સ્થળે લઈ ગઈ હતી અને તેણે કેવી રીતે મહિલાની હત્યા કરી તેનું રિકંસ્ટ્રક્શન કરાવી FSLની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું હતું અને હત્યારા કલ્પેશની વિધિવત અટકાયત કરવામાં આવી હતી.
હત્યારાએ રૂ.1500ની ચોરી કરી મહિલાની હત્યા કરી
મહિલાની હત્યાનું કારણ પૂછતાં હત્યારા કલ્પેશે કહ્યું કે તેનો દિકરો બીમાર હતો અને સારવાર માટે સગા-સંબંધીઓ પાસે નાણા માંગતા કોઈએ આપ્યા ન હતા. તે જાણતો હતો કે આ મહિલા કેસરબેન મંદિર બહાર પૂજાપાની વસ્તુઓ વેચે છે, જેથી તેની પાસે નાણાં હશે. આથી કલ્પેશે મૃતક મહિલા પર હુમલો કરી તેની પાસે રહેલા રૂ.1500ની ચોરી કરી હતી. મહિલાએ ગામ ભેગું કરી ચોરીનો આરોપ નાખવાની વાત વાત કરતા કલ્પેશે તેની હત્યા કરી નાખી હતી.








