અમદાવાદ: કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં શહેઝાદ ખાન પઠાણને મળ્યા આગોતરા જામીન
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા મામલે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા મામલે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની આગોતરા જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે. પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે.
અગાઉ આ કેસમાં જ પ્રગતિ આહીરેને મળ્યા હતા આગોતરા જામીન
અગાઉ આ કેસમાં જ પ્રગતિ આહીરે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જોકે, કોર્ટે ફગાવી દીધી હતી. પરિણામે પ્રગતિ આહીરે હાઈકોર્ટ અરજી કરી હતી. જ્યાં હાઈકોર્ટે આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી.
કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો
ઉલ્લેખનીય છે કે, ૨ જુલાઈના રોજ કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ મુદ્દે પોલીસ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામસામે ફરિયાદો નોંધાવી હતી. જેમાં કોંગ્રેસના શહેઝાદ ખાન પઠાણ અને પ્રગતિ આહીર સહિત ભાજપ અને કોંગ્રેસના ૧૫૦થી ૨૫૦ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.








