મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડઃ પારડી રેપ વિથ મર્ડરનો આરોપી સિરિયલ કિલર નીકળ્યો, જાણો સાયકલ ચોર કેવી રીતે બન્યો ખૂંખાર હત્યારો

વલસાડના પારડીના મોતીવાળામાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ જિ

વલસાડઃ પારડી રેપ વિથ મર્ડરનો આરોપી સિરિયલ કિલર નીકળ્યો, જાણો સાયકલ ચોર કેવી રીતે બન્યો ખૂંખાર હત્યારો

વલસાડના પારડીના મોતીવાળામાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું. સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે 10થી વધુ ટીમ બનાવીને તપાસ આદરી હતી. જેમાં આરોપી વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ફરતો હોવાની જાણકારી GRPની ટીમ જાણ થઈ હતી. આ પછી પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી. બાળપણનો સાયકલ ચોર ગુનાખોરીમાં આગળ વધતા ખૂંખાર સિરિયલ કિલર બની ગયો હતો.

આ પણ વાંચોઃવલસાડ: પારડીમાં કોલેજીયન યુવતીના દુષ્કર્મ અને હત્યાનો મામલો, આરોપી વાપી રેલ્વે સ્ટેશનથી ઝડપાયો

દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી ઝડપાયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ફાટક પાસે રહેતા એક પરિવારની દીકરી ટ્યુશનમાં ગયા પછી ઘરે પરત ફરી ન હતી. સમગ્ર ઘટનામાં દીકરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેમાં દીકરી પર દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું જાણવા મળતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ પછી પોલીસે આરોપીને ઝડપા પાડવા વિવિધ ટીમો બનાવી હતી. જેમાં પોલીસ દ્વારા ઘટના સ્થળના 18 કિ.મી. દૂરથી 12 દિવસે મૂળ હરિયાણાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

કેવી રીતે પકડાયો આરોપી?

વલસાડ જિલ્લાના પારડીના તાલુકાના મોતીવાળા રેલવેફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે તેણે વિદેશી કંપનીના 10 હજારની કિંમતના શૂઝ પહેરેલા હતા. જોકે, આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઇ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે. જ્યારે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

CCTVમાં આરોપી જોવા મળ્યો

વલસાડ SP કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 3 DySPના નેતૃત્વમાં વલસાડ LCB, SOG અને જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરી છે. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા CCTV ફુટેજના આધારે શકમંદ ઈસમ પાસેથી ઘટનાસ્થળેથી કપડાં મળી આવ્યા હતા. ટીશર્ટ, ટ્રેક, બેગ અને ગમછો અને યુવકની સામાન્ય દિવ્યંગતા આરોપીને જેલના સળિયા ગણાવવા માટે મહત્વના સાબિત થઈ હતી. ઘટના સમયના 2 કલાક પહેલા વાપી રેલવે સ્ટેશન ઉપર યુવક હોવાના CCTV ફુટેજમાં દેખાઈ રહ્યો હતો. CCTV ફુટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટીશર્ટ, ગમછો, ટ્રેક અને બેગના આધારે વલસાડ પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી હતી. વલસાડ પોલીસની ટીમે અંદાજે 2000થી વધુ CCTV ફૂટેજ અને શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને આરોપીને ઝડપી પાડ્યો હતો.

નોકરીના રૂપિયા લેવા આવેલો

પોલીસની ટીમે અત્યાર સુધીના ગુનાઓમાં ઝાડપાયેલા આરોપીઓના વર્ણન ચેક કર્યા હતા. શકમંદ સાથે 80% લક્ષણ મળતા આરોપીઓની ડિટેલ ચેક કરતા આરોપીની ઓળખ થઈ હતી. આરોપી 18મી મે 2024ના રોજ સુરતની લાજપોર જેલમાંથી છૂટ્યો હતો. વાપી-પારડી વચ્ચે આવેલા ઢાબામાં અગાઉ નોકરી કરી ગયો હોવાથી યુવક ઢાબા સંચાલક પાસે રૂપિયા લેવા આવ્યો હતો. વિદ્યાર્થિનીને ફોન ઉપર વાત કરતા એકલી ચાલતા જોઈ જતા આરોપીએ વિદ્યાર્થિનીને ટાર્ગેટ કરી હતી. અવાવરૂ જગ્યા આવતા વિદ્યાર્થીનીનું મોઢું દબાવી અપહરણ કરી ગયો હતો. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ઓળખ છુપાવવા વિદ્યાર્થિનીની હત્યા કરી હતી. આરોપી ઓળખ છુપાવવા કપડાં બદલી જતો રહ્યો હતો. આરોપી ઉતાવળમાં બેગ યુવતીની લાશ પાસે મૂકી જતો રહ્યો હતો. આરોપી ગાંજો અને બીડી પીવાનો આદી હતો.

બાળપણમાં સાયકલ ચોરી હતી

રાહુલ હરિયાણાના રોહતક વિસ્તારમાં ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે એક સાયકલ ચોરી હતી. ત્યારબાદ ગુનાખોરીની દુનિયામાં સતત આગળ વધતો રહ્યો હતો. એક પછી એક ગુનાખોરીને અંજામ આપતાં રાહુલે ત્યારબાદ પાછું વાળીને ન જોયું હતું. જો કે, છેલ્લા 25 દિવસમાં એક બાદ એક ગુનાને અંજામ આપતાં આખરે ઝડાઈ ગયો હતો.

લાજપોર જેલમાં થઈ ઓળખ

સુરતની લાજપોર જેલમાં ઝડપાયેલા કેદીઓ સાથે આરોપીનું વર્ણન ચેક કરવામાં આવ્યું હતું. સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટ રહે,ગામ-મોખરા ખાસ પાના શ્યામ, પો.સ્ટે માહમ, જી.રોહતક હરિયાણાવાળો હોવાની શંકા વ્યકત કરી હતી. જે આધારે શંકાસ્પદ વ્યકતિ અંગે હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાનો રહેવાસી હોય જેથી પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા દ્વારા રોહતક જિલ્લા પોલીસ વડા સાથે સંપર્ક કરી આરોપીનું સંપુર્ણ વેરીફીકેશન કર્યું હતું. આ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ICJS પોર્ટલ ઉપર ચેક કરતા ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો હતો.

5 રાજ્યોની રેલવે પોલીસની મદદ લેવાઈ

આરોપી વિશે માહિતી મેળવતા આરોપી રખડતો-ભટકતો હોય અને સતત રેલવેમાં મુસાફરી કરતો હોય જેથી વલસાડ SPએ RPF તેમજ GRPના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી એક "જોઇન્ટ ઓપરેશન" શરુ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ વિગેરે રાજ્યના તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ જોડાયા હતા. જેનું એક વોટસએપ ગૃપ બનાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના ગ્રુપમાં ઝીણામાં ઝીણી વિગતો શેર કરવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના?

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાળા ફાટક પાસે રહેતા પરિવારની દીકરી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની 14 નવેમ્બરે ટ્યુશન પર ગઈ હતી, પરંતુ આ પછી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં વિદ્યાર્થિની મોતીવાળા ફાટક નજીક આવેલી આંબાવાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ દીકરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. જેમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પરિવારના લોકોએ પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. 

આ સમાચાર શેર કરો