બોગસ ડૉક્યુમેન્ટના આધારે PMJAY કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 6 લોકોની અટકાયત
PMJAY યોજનાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારને ચૂનો લગાવવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ

PMJAY યોજનાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારને ચૂનો લગાવવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
PMJAY દેશવ્યાપી કૌભાંડ હોવાની આશંકા
PMJAYમાં પાત્રતા નથી ધરાવતા એવા લોકોના કાર્ડ બનાવવામાં આવતા હતા. દસ્તાવેજ વિના પણ ઇચ્છુક લોકોના PMJAY કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. પૈસા લઇ બોગસ ડોક્યુમેન્ટના આધારે કાર્ડ બનાવવાની સિસ્ટમ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનામાં 6 લોકોની અટકાયત કરી છે. આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ, ગુજરાત નહીં પણ દેશભરમાં આ કૌભાંડ થતું હોવાની આશંકા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
2024-25માં PMJAY માટે 3100 કરોડ રૂપિયા ફાળવાયા
ગાંધીનગરમાં નવા અને જૂના સચિવાલયમાં ખાનગી-કોર્પોરેટ હોસ્પિટલના દલાલો-મેડીયેટરોએ જાણે અંડિગા જમાવ્યા છે. PMJAY યોજના હેઠળ ક્લેઇમ પાસ કરાવવા માટે દલાલો આંટાફેરા મારતાં હોય છે. આરોગ્ય વિભાગમાં તો પૈસા ફેંકો-તમાશા દેખો જેવો ઘાટ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે ગરીબ દર્દીઓને સારી આરોગ્ય સારવાર મળી રહે તે માટે પીએમજેવાયએ યોજના માટે કુલ મળીને 3100 કરોડ રૂપિયા ફાળવ્યાં છે.
કેગના રિપોર્ટમાં પણ થયો હતો ખુલાસો
ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તે માટે ઉપયોગી એવી PMJAY યોજના હૉસ્પિટલો માટે જાણે કમાણીનું સાધન બની રહી છે. વર્ષ 2023માં કેગ દ્વારા PMJAY યોજનાના ઓડિટ રિપોર્ટમાં ગુજરાતની હૉસ્પિટલોમાં ચાલતી ગેરરીતિઓનો ખુલાસો થયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ વર્ષમાં 70 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 100થી વધુ પાકિસ્તાની-ઇરાની નાગરિકની ધરપકડ
PMJAY યોજના હેઠળ મફત સારવાર કરવામાં આવે છે જેના કારણે ગરીબ દર્દીઓ સારવાર અંગે કોઈ પૃચ્છા જ કરતાં નથી જેનો હૉસ્પિટલ સંચાલકો બેફામ દૂરપયોગ કરી રહ્યા છે. વર્ષ 2023માં કેગનો રિપોર્ટ જાહેર થયો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઑડિટર્સે ગુજરાતની અલગઅલગ 50 હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં એવી ગેરરીતિ જોવા મળી કે, હૉસ્પિટલોએ બેડની ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે.
આ 50 હૉસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2552 છે. જેની સામે અલગઅલગ તારીખોમાં 5217 દર્દીઓએ સારવાર લીધી હતી. જેમકે, સુરેન્દ્રનગરની મેડીકો મલ્ટીસ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં 8 માર્ચ 2021ના દિવસે 34 બેડની સામે 97 દર્દીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા. સારવારના નામે બધું ય કાગળ પર જ હતું.








