દુઃખદ સમાચાર : ચાર વેદોનો ગુજરાતીમાં અનુવાદ કરનારા ટંકારાના વિદ્વાન પદ્મશ્રી દયાળ મુનિ આર્યનું 89 વર્ષે નિધન
Dayal Muni Arya passed away : ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.

Dayal Muni Arya passed away : ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ટંકારાના વિદ્વાન પદ્મશ્રી દયાળ મુનિ આર્ય - દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા. તેમણે ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું હતું. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારની સન્માનિત કરવામાં આવ્યા હતા.
89 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે દયાળ મુનિ આર્યની તબિયત લથડતાં તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજૂક હતી.
પદ્મશ્રી દયાળ મુનિ આર્યની અસાધારણ જીવનયાત્રા
દયાળમુની તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબીના ટંકારામાં તહ્યો હતો. તેઓ એક સંસ્કૃત શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધાર અને શ્રેષ્ઠ વૈદ્ય હતા. દયાળ મુનિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દયાળમુનિએ ચારેય વેદના મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને આઠ પુસ્તકો સમર્પિત કર્યા હતા. તેમણે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.
તેઓ હંમેશાં ટંકારા આર્યસમાજને તથા સાહિત્ય પ્રકાશનના કાર્યમાં આર્થિક સહયોગ આપતા રહ્યા હતા. છેલ્લાં અનેક વર્ષોથી તેઓ ટંકારામાં વાનપ્રસ્થ જીવન પસાર કરી રહ્યા હતા.
પ્રારંભિક શિક્ષણ બાદમાં તેમણે આયુર્વેદનો અભ્યાસ કરી આયુર્વેદાચાર્યની ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓ 18 વર્ષ સુધી આયુર્વેદ વિશ્વવિદ્યાલય, જામનગરમાં પ્રાધ્યાપક રહ્યાં. ત્યાં તેઓ કાયચિકિત્સા (મેડિસિન) વિભાગના અધ્યક્ષ પણ રહ્યાં હતા.
તેમણે મહર્ષિ દયાનંદના આર્યાભિવિનય, વેદભાષ્ય, આત્મકથા, ઉપદેશ મંજરી વગેરે ગ્રંથોના, સ્વામી સત્યપતિના યોગમીમાંસા તથા આનંદ સ્વામીના કેટલાંક હિંદી પુસ્તકોના સુંદર ગુજરાતી અનુવાદ આપ્યા છે. તેમણે મહર્ષિ દયાનંદના મુખ્ય ગ્રંથોના ગુજરાતી અનુવાદોને ઉત્તમ રીતે સંપાદિત કર્યા છે. મહાભારતથી મહર્ષિ દયાનંદ, ઋષિ દયાનંદ કી પ્રારંભિક જીવની તથા મહર્ષિ દયાનંદનું જીવનચરિત્ર વગેરે તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે.
તેમણે વૃદ્ધાવસ્થામાં અતિ પુરુષાર્થ કરી ચારે વેદોનો ગુજરાતી અનુવાદ કર્યો, જેનું વાનપ્રસ્થ સાધક આશ્રમ, રોજડ દ્વારા આઠ ખંડોમાં પ્રકાશન કરવામાં આવ્યું છે.
મહર્ષિ આર્યસમાજ દ્વારા સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં વૈદ્ય તરીકે નિઃશુલ્ક સેવા આપી છે. તેમણે આયુર્વેદ પર 18 ગ્રંથોની રચના કરી છે, જેને ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય દ્વારા સંદર્ભગ્રંથ રૂપે માન્યતા મળી છે.
2015માં ગુજરાત આયુર્વેદ વિશ્વવિદ્યાલય, જામનગર દ્વારા તેમને ડી.લિટ્. (આયુર્વેદ)ની માનદ્ પદવી પ્રદાન કરવામાં આવી હતી
ગુજરાતના રાજ્યપાલના હસ્તે તેમને ‘આયુર્વેદ ચૂડામણિ'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમીએ તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર-2020 અર્પણ કર્યો.
2024માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કાર આપી સમ્માનિત કર્યા.








