RAJKOT / સંસ્કૃત ભારતી દ્વારા યોજાયું ‘સંસ્કૃત જનપદ સંમેલન’, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
સંસ્કૃત ભારતી રાજકોટ અને શ્રી સરસ્વતી શિશુમંદિર રાજકોટના સંયુક્ત ઉપક્રમે 21 એપ્રિલે સં

સંસ્કૃત ભારતી રાજકોટ અને શ્રી સરસ્વતી શિશુમંદિર રાજકોટના સંયુક્ત ઉપક્રમે 21 એપ્રિલે સંસ્કૃત જનપદ સંમેલનનું આયોજન શ્રી સરસ્વતી શિશુમંદિરના પ્રટાંગણમાં કરવામાં આવ્યું હતું. સંમેલનમાં શંકરાચાર્ય પરંપરાના સ્વામિ શ્રી નિત્યનિષ્ઠાનંદસરસ્વતીજી કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી આશીર્વચનો આપ્યા હતા. સંમેલનના મુખ્યાતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત કાર્યકારીણી સદસ્ય કિશોરભાઈ મુંગલપરાએ સંસ્કૃત ભાષાની મહત્તા તેમજ સંસ્કૃત ભાષાની વિશેષતા શું છે, જે માટે વિવિધ સંસ્કૃત શાસ્ત્રોની ઉક્તિઓ દ્વારા સંબોધિત કર્યા.
શ્રી સરસ્વતી શિશુમંદિરના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર દ્વારા સંસ્કૃતભાષાના ઉત્થાન માટે શ્રી સરસ્વતી શિશુમંદિર હંમેશા અગ્રેસર રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું.
સંસ્કૃત ભારતી પશ્ચિમક્ષેત્રના સંઘટન મંત્રી વિઠ્ઠલભાઇ ભટ્ટ ઉપસ્થિત રહયા હતા. સંમેલનના મુખ્ય વકતા તરીકે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત મંત્રી પ્રો.ડૉ. પંકજભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રેરક ઉપસ્થિતમાં - સંસ્કૃત ભારતી ગુજરાતના ન્યાસી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના સમ્પર્ક પ્રમુખ વિઠ્ઠલભાઇ વાગડીયા, સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પત્રાચાર પ્રમુખ ડૉ.મુકેશભાઈ ઇઢારીયા, સંસ્કૃત ભારતી રાજકોટ વિભાગ સંયોજક ડૉ.કાન્તિભાઈ કાથડ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં જુદી જુદી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ સંસ્કૃત ભારતી રાજકોટના કાર્યકર્તાઓ દ્વારા સુંદર સંસ્કૃતમય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. જેમાં સમુહગીત, ભરતનાટ્ય, સ્તુતિ, નાટક, એકપાત્રીય અભિનય, વેશભૂષા, સંસ્કૃત ગરબા, સંસ્કૃત વિજ્ઞાપન વગેરે કૃતિઓ રજૂ થઈ હતી.
સંસ્કૃત ગૌરવપરીક્ષા કેન્દ્રના સંચાલકઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો એ સંસ્કૃતના મહત્વ અને સંસ્કૃતિ પરંપરાની ખુબ સુંદર વક્તવ્ય દ્વારા રજૂઆત કરી હતી.
મહેમાનઓનો શાબ્દિક પરિચય સંસ્કૃત ભારતી રાજકોટના જનપદ સંયોજક ભાવેશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. અંતમાં આભારદર્શન સંસ્કૃત ભારતી રાજકોટ મહાનગરના સંયોજિકા હીનાબેન સોનાગરા દ્વારા કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત ભારતી રાજકોટના સહ-સંયોજક ડૉ. જગતભાઈ તેરૈયાએ કર્યું હતું.
સંસ્કૃતભારતી રાજકોટના જનપદ સંયોજક ભાવેશભાઈ ભટ્ટ તેમજ સંયોજિકા હિનાબહેન સોનાગરા દ્વારા અને સમગ્ર કાર્યકર્તાઓના સહયોગથી સંસ્કૃત સંમેલન ખૂબ સારી રીતે સંપન્ન થયું.








