સુરતમાં લૂંટેરી દુલ્હને વધુ એકને બનાવ્યો શિકાર, મુંબઈની ટ્રેનમાં પતિની નજર સામેથી જ..
સુરતમાં પાટીદાર સમાજના યુવકો લગ્ન ન થતાં હોવાથી અન્ય રાજ્યની યુવતીઓને લાવવા મજબૂર બન

સુરતમાં પાટીદાર સમાજના યુવકો લગ્ન ન થતાં હોવાથી અન્ય રાજ્યની યુવતીઓને લાવવા મજબૂર બન્યા છે. ત્યારે આ મજબૂરીનો લાભ લેવા માટે ટોળકીઓ ફરી સક્રિય બની છે. લૂંટેરી દુલ્હને કોર્ટ મેરેજ કરી યુવક સાથે મહિનો વતનમાં રહી હતી. બાદમાં માતા બિમાર છે. એમ કહી મહારાષ્ટ્રના કલ્યાણ જવા પતિ સાથે ટ્રેનમાં બેસી રફુચક્કર થઈ છે.
પાંચ ફોટોમાંથી એક પસંદ કરી હતી
સુરતના મોટા વરાછા રહેતા 32 વર્ષીય ખેડૂત ધવલ સતાસીયાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના પ્રમાણે યુવક તેના ફુવાજીની દુકાને બેસવા જતો હતો. તે વખતે દિનેશે પોતે લગ્ન કરાવવાનું કામ કરતો હોવાની વાત કરી હતી. આથી યુવકે તેને લગ્ન માટે છોકરી હોય તો કહેજો એમ કહી મોબાઇલ નંબર આપ્યો હતો. બે દિવસ પછી દિનેશે વોટસએપ પર 4-5 છોકરીઓના ફોટો મોકલ્યા હતા. જે પૈકી એક છોકરી પસંદ આવતા જોવાનું નક્કી કર્યુ હતું.
1.50 લાખની માગણી કરી
17મી મે-23એ યુવક દલાલ દિનેશ સોની સાથે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે અભિષેક સોસાયટીમાં એક મકાનમાં છોકરીને જોવા ગયો હતો. જ્યાં છોકરી સાથે એકબીજાનો પરિચય આપી વાતચીત કરી હતી. છોકરી પસંદ આવતા દિનેશે 25 હજાર દલાલી માંગી હતી. જ્યારે છોકરીની પરિસ્થિતિ સારી નથી એમ કહી સચીન નામના શખ્સે લગ્નના ખર્ચ માટે 1.50 લાખની માંગણી કરી હતી. યુવકે દલાલી અને લગ્ન ખર્ચ સહિત 1.75 લાખની રકમ આપવા તૈયાર થયો હતો. પછી 19મી મે-23એ બન્નેએ વકીલની ઓફિસમાં નોટરી રૂબરૂ લખાણો કરી રાજીખુશીથી લગ્ન કર્યા હતા. સાક્ષી તરીકે દુલ્હનમાં તેની માસી હેમા હતી.
ટ્રેનમાં જ થઈ ગઈ ગાયબ
પોલીસે સૂત્રધાર દિનેશ સોની લૂટેંરી દુલ્હન પાયલ મણીલાલ પરમાર, સચીન દલાલ અને હેમા રાજુ સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. પાયલે ધવલ સાથે 19મી મે-23એ લગ્ન કરી બે દિવસ સુરતમાં રોકાયા બાદ વતન જુનાગઢ વાલાસીમડી ગામે ચાલી ગયો હતો. જ્યા દુલ્હન પાયલે એક મહિના રહ્યા બાદ મમ્મીની તબિયત ખરાબ છે. એવા બહાના કાઢી મહારાષ્ટ્ર કલ્યાણ જવાની વાત કરી હતી. યુવક પાયલને લઈ મુંબઈ બાંદ્રા સ્ટેશને પહોંચ્યો હતો. પછી લોકલ ટ્રેનમાં કલ્યાણ જવાનું હતું. લોકલ ટ્રેનમાં પાયલે લેડિઝ ડબ્બામાં બેઠી અને પછી કુર્લા સ્ટેશન આવ્યું ત્યારે તે ગાયબ હતી.








