મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં 'ઋષભાયન- ભારતીય સંસ્કૃતિના પુરોધા' પર પરિસંવાદ યોજાયો, વિદ્વાનો, જૈનસંતો, સાહિત્યકારો હાજર રહ્યા

અમદાવાદમાં ગત રોજ શાહીબાગ ગિરધરનગર જૈન સંઘના સહોયગછી લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસ

અમદાવાદમાં 'ઋષભાયન- ભારતીય સંસ્કૃતિના પુરોધા' પર પરિસંવાદ યોજાયો, વિદ્વાનો, જૈનસંતો, સાહિત્યકારો હાજર રહ્યા

અમદાવાદમાં ગત રોજ શાહીબાગ ગિરધરનગર જૈન સંઘના સહોયગછી લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસનો સેમિનાર અને પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદ ઋષભાયન તરીકે યોજાયો હતો. આ પરિસંવાદમાં વિદ્વાનો, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, સાહિત્યકારો, ધાર્મિક ગુરૂઓ અને જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. વિદ્વાનોએ સમૃદ્ધ અને ગતિશીલ ભારતીય સંસ્કૃતિના પુરોધા ગણાતા ઋષભદેવના જીવન અને તેમના કાર્યો અંગે ગહન ચર્ચા કરી હતી. 

સેમિનાર અને ઐતિહાસિક પરિસંવાદ યોજાયો 

સેમિનારમાં ભારતીય સભ્યતાના સમૃદ્ધ ઐતિહાસિક, દાર્શનિક અને સામાજિક પાસાં પર રસપ્રદ અને વિચારપ્રેરક ચર્ચાઓ યોજાઈ હતી જેમાં વિશેષ ધ્યાન ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને સામાજિક-રાજકીય માળખાના પ્રણેતા ભગવાન ઋષભદેવના ગહન યોગદાન પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

“‘ઋષભાયન- ભારતીય સંસ્કૃતિના પુરોધા

સંવેગ લાલભાઈએ જણાવ્યું હતું કે “‘ઋષભાયન- ભારતીય સંસ્કૃતિના પુરોધા’ પરિસંવાદ એ વ્યક્તિની આત્માના અંતિમ જ્ઞાન સાથે પરિવારના માળખા, શાસ્ત્રો અને વિવિધ કળાના રૂપોની સ્થાપના માટે ભગવાન ઋષભદેવના યોગદાનને માન્યતા આપવા માટેનો ગૌરવપૂર્ણ પ્રયાસ હતો.

જૈનોના પ્રથમ તીર્થંકર એવા ભગવાન ઋષભદેવનો ઉલ્લેખ અનેક હિંદુ ગ્રંથો અને ઉપનિષદોમાં પણ જોવા મળે છે. તેમાં જાણીતા હિંદુ મહંતો, નિષ્ણાંતો, વિદ્વાનો, સંશોધકો ઉપરાંત જૈનાચાર્યોના મહત્વપૂર્ણ પ્રદાન પણ સમાવિષ્ટ છે અને તે સમગ્ર વિશ્વ તથા સમાજના કલ્યાણ માટે ભગવાન ઋષભદેવના પ્રયાસોના આકર્ષક પાસાં પર પ્રકાશ પાડે છે.”

જૈન ધર્મમાં ભગવાન ઋષભદેવને વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકર તરીકે પૂજવામાં આવે છે અને તેઓ માનવ સંસ્કૃતિના પૂર્વજ તરીકે ગણાય છે. તેમને પરિવારનું માળખું, સામાજિક વ્યવસ્થા, પ્રશાસન અને રાજકીય વ્યવસ્થાની રચનાનો શ્રેય આપવામાં આવે છે.

વિદ્વાનો, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, સાહિત્યકારો, ધાર્મિક ગુરૂઓ અને જાણીતી હસ્તીઓ હાજર રહી

ફોર્સ મોટર્સના ચેરમેન પણ હાજર રહ્યા હતા.  ફોર્સ મોટર્સના ચેરમેન ડો. અભય ફિરોદિયા વિખ્યાત જૈન વિદ્વાન અને દાનવીર પણ છે. તેમણે જણાવ્યું હતું કે “ઋષભાયન એ વિવિધ ક્ષેત્રોના અનેક બુદ્ધિજીવીઓ માટે એક જ મંચ પર આવવા અને ઋષભદેવ તેમની રચના તથા આજે પણ એટલા જ સાર્થક એવા તેમણે આપેલા ઉપદેશો અંગે ચર્ચા કરવા માટેની એક અનોખી તક હતી. આ ભવ્ય પ્રસંગનો સાક્ષી બનતા અને તેમાં યોગદાન આપતા મને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું.” 

ડો. અભય ફિરોદિયા, અર્પિત શાહ, ડો. રમઝાન હસનિયા જેવા જાણીતા વિદ્વાનોની પેનલ ડિસ્કશન અને પ્રેઝન્ટેશને ભગવાન ઋષભદેવના જીવન અને જૈન ધર્મ તથા ભારતીય સંસ્કૃતિ અંગે તેમણે આપેલા ઉપદેશોની અસરો અંગે કેટલીક અજાણી પરંતુ રસપ્રદ હકીકતો રજૂ કરી હતી. 

 કેન્દ્રીય જળશક્તિ પ્રધાન અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જૈનાચાર્ય યશોવર્માસૂરિશ્વરજી મહારાજ સાહેબે તેમનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “વિદ્વાનોની સહભાગિતા અને આટલી જાણીતી હસ્તીઓની ઉપસ્થિતિએ ઋષભાયનને સફળ બનાવ્યું છે. ઋષભદેવ ભારતના સાંસ્કૃતિક તાણાવાણાના રચયિતા હતા. તેમના ઉપદેશો ન કેવળ જૈન ધર્મ પૂરતા જ સીમિત નથી, પરંતુ લગભગ તમામ ધર્મોમાં પ્રચલિત છે. આ સેમિનાર થકી અમે ભારતના સમૃદ્ધ વારસામાં રસને પુનઃજીવિત કરવા માંગીએ છીએ, ખાસ કરીને યુવા પેઢીઓમાં જેઓ કદાચ તેની ગહનતા અને મહત્તાની પૂરેપૂરી કદર કરતા નથી.”

પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું

ઋષભાયન દરમિયાન ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાં પર વિખ્યાત ગુરૂઓ અને વિદ્વાનો દ્વારા લખાયેલા લેખો અને સંશોધન પત્રોને દર્શાવતા એક વ્યાપક પુસ્તકનું ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું ભારત તથા સમગ્ર વિશ્વમાં વિતરણ કરાશે.

આ સમાચાર શેર કરો