દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી વીજ પ્રવાહ ખોરવાતા બફારા વચ્ચે લોકો પરેશાન
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે સવારથી અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપ

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે સવારથી અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પણ પડ્યાં છે. સુરતના સરથાણા વિસ્તારમાં થોડા વરસાદ વચ્ચે પાવરકાપ આવ્યો હતો. જેથી લોકોને બફારા વચ્ચે પરેશાન થવાનો વખત આવ્યો હતો. બીજી તરફ કેરી સહિતના પાકને આ વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે.
ઉકળાટનો અનુભવ
કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા છે. ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે, જેનાથી હવામાનમાં ઠંડકનો અનુભવ થયો હતો. બીલીમોરા વિસ્તારમાં પણ ઝાંપટા પડ્યા છે, બીજી તરફ નવસારીના શહેરી વિસ્તારોમાં ઉકળાટની સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે. આ અચાનક થયેલા વાતાવરણના ફેરફારને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે, અને લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. લોકોને આ અચાનક પરિવર્તન માટે સતર્ક રહેવું જોઈએ. ભેજ અને ગરમીના કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી શકે છે. જેવી રીતે દેશમાં ચોમાસુ કેરળથી શરૂ થાય છે એવી જ રીતે ગુજરાતમાં પણ ચોમાસુ મુંબઈ તરફથી પ્રવેશે છે પણ હજુ મુંબઈ માં વરસાદના કોઈ ઠેકાણા નથી જેથી ગુજરાતમાં સમયસર ચોમાસુ બેસે તેવા સંકેત દેખાતા નથી.
8 જૂને ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી ચાર દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારબાદ 8 અને 9 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 8 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.








