'ભ્રષ્ટાચાર હટાવી બાળકો બચાવો', સરકારી શાળામાં અપાતા નાસ્તામાં કાપ મૂકાતા સુરતમાં AAPના દેખાવો
મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો

મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે. પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધેલ છે કે, એક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે.એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે, વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ત્યારે આપ દ્વારા આક્ષેપ સાથે કહેવાયુ કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પ્રજાના ટેક્સના કરોડો-અબજો રૂપિયાનો બગાડ થાય છે. ત્યાં વ્યવસ્થા સુધારવાનો અને પૈસા બચાવવાનો વિચાર સરકારને કેમ નથી આવતો ? અને ગરીબ બાળકોને મળતાં એક વખતના નાસ્તામાં સરકારને પૈસા બચાવવા છે ?
કુપોષણમાં ગુજરાત છઠ્ઠા સ્થાને
આવેદનપત્રમાં કહેવાયુ કે, લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73 % બાળકો કુપોષિત છે. એટલે કે, રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39 % બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે. જૂન 2024 માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું.
નાસ્તો યથાવત રાખવા માગ
ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં 6,10,292 બાળકો કુપોષિત અને 1,31,419 બાળકો અતિકૂપોષિત હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે, તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કામ મુકવાનો કોઈ અર્થ ખરો? ગુજરાતના તમામ વાલીઓ તેમજ ઈમાનદાર કરદાતાઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (પી.એમ.પોષણ યોજના) અંતર્ગત આપવામાં આવતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કામ મુકવામાં આવે.








