"વાહવાહી નહીં, કામ કરો, નહીં તો વિસાવદરનો દાખલો યાદ રાખજો", ધારાસભ્યનો સોશિયલ મીડિયામાં ઉધડો લેવાયો
હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર લોક

હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર લોકોના આક્રોશનો શિકાર બન્યા છે. સ્થાનિક લોકો અને ખેડૂતોની ફરિયાદો અનુસાર, ધારાસભ્ય વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટો મૂકીને વાહવાહી લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દે વાયરલ થયેલી પોસ્ટોમાં લોકોએ ચેતવણી આપી છે કે, "કામ નહીં કરો તો વિસાવદર જેવી હારનો દાખલો યાદ રાખજો!"
વિજળી, શિક્ષણ અને ખેતીની સમસ્યાઓ પર લોકોનો રોષ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટોમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ધારાસભ્ય ફોન ઉપાડતા નથી, જેના કારણે લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવતી નથી. વીજળીની સમસ્યાઓ, જેમ કે અનિયમિત વીજ પુરવઠો અને ખેડૂતો માટે ખેતીલક્ષી વીજળીની અછત, આ વિસ્તારનો મુખ્ય મુદ્દો બની ગયો છે. ખેડૂતોએ ફરિયાદ કરી છે કે ખાતરની અછતના કારણે તેમની ખેતીને નુકસાન થઈ રહ્યું છે, અને આ મુદ્દે ધારાસભ્ય દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે પણ ગંભીર ખામીઓ સામે આવી છે. લોકોનો આરોપ છે કે ભાજપ સરકાર હોવા છતાં સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, જેના કારણે બાળકોનું શિક્ષણ પ્રભાવિત થઈ રહ્યું છે.
કેનાલમાં પાણીની માંગ
ખેડૂતોની એક મુખ્ય ફરિયાદ કેનાલમાં પાણીના અભાવને લઈને છે. હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ માટે પૂરતું પાણી નથી મળતું, જેના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું, “કેનાલમાં પાણી છોડો, ખેડૂતોના ખેતરો સુકાઈ રહ્યા છે, પણ ધારાસભ્ય સાહેબ વિશ્વ ગુરુ અને યોગની વાતો કરીને સમય પસાર કરે છે!”
સોશિયલ મીડિયા પર લોકોએ ધારાસભ્યને વિસાવદરની ચૂંટણીનો દાખલો આપીને ચેતવણી આપી છે. વિસાવદરમાં ભાજપના ઉમેદવારની હારને લોકોએ ધારાસભ્યની નિષ્ક્રિયતા સાથે સરખાવી, જેમાં જનતાના મુદ્દાઓની અવગણનાને મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું. એક વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યું, “વાહવાહી લૂંટવાનું બંધ કરો, નહીં તો વિસાવદરની જેમ લોકો જવાબ આપશે!” આ પોસ્ટોએ લોકોની નારાજગી અને ધારાસભ્ય પ્રત્યેના રોષને સ્પષ્ટપણે દર્શાવ્યો છે.








