મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પા સંસ્કૃતિના મળ્યા અવશેષો

ગુજરાતના કચ્છમાં પુરાતત્વ વિજ્ઞાનીઓએ એક મહત્ત્વની શોધ કરી છે. કચ્છમાં 5000 વર્ષથી વ

કચ્છમાં 5700 વર્ષથી પણ જૂના હડપ્પા સંસ્કૃતિના મળ્યા અવશેષો

ગુજરાતના કચ્છમાં પુરાતત્વ વિજ્ઞાનીઓએ એક મહત્ત્વની શોધ કરી છે. કચ્છમાં 5000 વર્ષથી વધુ જૂના હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. 2018માં પુરાતત્વ વૈજ્ઞાનિકોની ટીમે કચ્છના જુના ખટિયા ગામ નજીક 500 કબરો સાથેનું કબ્રસ્તાન શોધી કાઢ્યું હતું. આ કબ્રસ્તાનથી હડપ્પન કાળની પાંચ હજાર વર્ષ જૂની વસાહતના અવશેષો શોધવામાં મદદ મળી.

કચ્છના લખપત તાલુકાના પડદા બેટ વિસ્તારમાં તાજેતરના ખોદકામમાં માટીકામના ટુકડાઓ, પ્રાણીઓના હાડકાના ટુકડા અને રેતીના પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ મકાનોના પાયા પણ મળ્યા છે. હાલમાં પુરાતત્વ વિજ્ઞાનીઓને મળી આવેલા માટીના વાસણના ટુકડાના અવશેષો અન્ય સ્થળોએથી મળી આવેલ હડપ્પન સંસ્કૃતિની સભ્યતાના અવશેષો સાથે સમાનતા ધરાવે છે.

2018માં કબરમાંથી અવશોષો મળ્યા


કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા ડૉ. સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે ‘વર્ષ 2018માં ખોદકામ દરમિયાન જુના ખાટિયા ગામ પાસે એક સામૂહિક કબર મળી આવી હતી. આ કબરની શોધ થયા બાદ સવાલ એ ઊભો થયો કે અહીં દફનાવવામાં આવેલા લોકો ક્યાં રહેતા હતા. આ પ્રશ્ને હડપ્પન સમયગાળાની વસાહતની શોધમાં મદદ કરી. હવે પુરાતત્વવિદોની ટીમે કબ્રસ્તાનથી લગભગ દોઢ કિલોમીટર દૂર પડદા બેટ વિસ્તારમાં હડપ્પન કાળની વસાહતના અવશેષો શોધી કાઢ્યા છે.

અહીં રહેતા લોકો કરતા હતા પશુપાલનનો વ્યવસાય


પુરાતત્વવિદોની ટીમને ખોદકામ દરમિયાન ગાય અને બકરાના અવશેષો પણ મળ્યા છે, જેના આધારે એવું માનવામાં આવે છે કે અહીં રહેતા લોકો પશુપાલન કરતા હતા. કબ્રસ્તાનમાંથી માનવ હાડપિંજર પણ મળી આવ્યા છે. કેરળ યુનિવર્સિટીની ટીમ પણ કચ્છમાં ખોદકામ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ અહીં ઘણી વસાહતો હોઈ શકે છે. પ્રોજેકટના ડાયરેક્ટર અને કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વડા પ્રોફેસર અભયન જીએસએ જણાવ્યું હતું કે સંભવ છે કે વધુ વસ્તીને કારણે લોકો જુદી જુદી વસાહતોમાં ફેલાયા હશે. તેમણે એવી આશંકા વ્યક્ત કરી છે કે ટેકરી પર સ્થિત હોવાને કારણે સમયાંતરે ઘણી ઇમારતો નાશ પામી હશે.

પહાડી ઢોળાવ પર હડપ્પાની વસાહત

આ વિસ્તારમાં ખાસ પ્રકારના માટીકામથી બનેલા મોટા બાઉલ અને પ્લેટોના અવશેષો મળી આવ્યા છે. ઈમારતના પાયામાંથી મળેલા 2 માળમાંથી 1 માળ હડપ્પન સંસ્કૃતિને મળતો આવે છે. જ્યારે બીજો માળ ખાસ પ્રકારની માટીનો બનેલો છે. પડદા બેટ સાઇટ પરની વસાહત ટેકરીના ઢોળાવ પર આવેલી હતી. ધોળાવીરા અને અન્ય હડપ્પન સંસ્કૃતિની વસાહતો સામાન્ય રીતે સપાટ જમીન પર જોવા મળતી હતી. આ ટેકરીની બાજુમાંથી એક નાનકડી નદી વહેતી હતી જે અહીં રહેતા લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતો.

વિવિધ યુનિવર્સિટીઓની ટીમો કચ્છમાં ખોદકામ કરી રહી છે


કેરળ યુનિવર્સિટી ઉપરાંત કચ્છ યુનિવર્સિટી, પૂણેની ડેક્કન યુનિવર્સિટી, કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટી, સ્પેનની ત્રણ સંસ્થાઓ – કેટલાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ આર્કિયોલોજી, સ્પેનિશ નેશનલ રિસર્ચ કાઉન્સિલ, યુનિવર્સિટી ઑફ લા લુગ્ના અને અમેરિકાની એલ્બિયન કોલેજ અને ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીની ટીમો શોધ કરી રહી છે.

આ સમાચાર શેર કરો