સુરતમાં અર્બન ફોરેસ્ટના કારણે હવામાંના ઝેરી તત્ત્વોમાં ઘટાડો, SVNITનું સંશોધન
હાલ સમગ્ર ભારતમાં ઝેરી હવા ચર્ચાનો મુદ્દો બન્યો છે. હવામાં ફેલાતું પ્રદૂષણના કારણે દિલ્હીમાં શાળાઓ બંધ કરવાની નો

હાલ સમગ્ર ભારતમાં ઝેરી હવા ચર્ચાનો મુદ્દો બન્યો છે. હવામાં ફેલાતું પ્રદૂષણના કારણે દિલ્હીમાં શાળાઓ બંધ કરવાની નોબત આવી છે. ત્યારે સુરતની એસવીએનઆઈટીના સંશોધકોએ ઝેરી હવાને શુદ્ધ રાખવામાં અર્બન ફોરેસ્ટ આશિર્વાદ સમાન હોવાનું સંશોધન કર્યું છે. ઉધના વિસ્તારમાં આવેલા શહીદ સ્મૃતિવન પર ત્રણ મહિના સુધી અભ્યાસ કરીને તારણ મેળવવામાં આવ્યું છે.
ઝેરી તત્ત્વોમાં ઘટાડો
એસવીએનઆઈટીના એક સંશોધનમાં સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શહીદ સ્મૃતિવન પર ત્રણ મહિના સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, આ ફોરેસ્ટના કારણે ઉધના વિસ્તારની હવામાં રહેલા ઝેરી તત્ત્વો જેવા કે PM10 અને PM2.5માં નોંધપાત્ર ઘટાડો થયો છે.સંશોધક યુગ્મી પટેલે કહ્યું કે, "અર્બન ફોરેસ્ટ બનાવતી વખતે સ્થાનિક પ્રજાતિના વૃક્ષોની પસંદગી કરવી જોઈએ. અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, શહીદ સ્મૃતિવનમાં PM10ના સ્તરમાં 18.85% અને PM2.5ના સ્તરમાં 10.66%નો ઘટાડો થયો છે. આનાથી શહેરની મોટી વસ્તીના સ્વાસ્થ્યને લાભ મળ્યો છે."
2019માં અર્બન ફોરેસ્ટ બન્યું
શહીદ સ્મૃતિ વન અંગે વિગતો આપતાં વિરલ દેસાઈએ કહ્યું કે, આ અર્બન ફોરેસ્ટ વર્ષ 2019માં બનાવવામાં આવ્યું હતું. આ ફોરેસ્ટમાં 19000 ચોરસ ફૂટની જગ્યામાં 1500થી વધુ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સાત અર્બન ફોરેસ્ટ બનાવ્યા છે અને 6,50,000 વૃક્ષો વાવ્યા છે.દિલ્હી અને લાહોર જેવા શહેરોની હાલત જોતાં સ્પષ્ટ છે કે આપણે વધુને વધુ અર્બન ફોરેસ્ટ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. આનાથી શહેરોના પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળશે અને શહેરોનું તાપમાન પણ ઘટાડવામાં મદદ મળશે."








