મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હાઈકોર્ટના જજ જેવું ડાયસ અને કોર્ટ ઊભી કરીને લોકોને આંજતો, વાંચો નકલી કોર્ટ બનાવનાર ગઠિયાની આખી મોડસ ઓપરેન્ડી

ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, પોલીસ, બોગસ તબિબિ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાં નકલી કોર્ટ ઝડપા

હાઈકોર્ટના જજ જેવું ડાયસ અને કોર્ટ ઊભી કરીને લોકોને આંજતો, વાંચો નકલી કોર્ટ બનાવનાર ગઠિયાની આખી મોડસ ઓપરેન્ડી

ગુજરાતમાં નકલી કચેરી, ટોલનાકા, પોલીસ, બોગસ તબિબિ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાં નકલી કોર્ટ ઝડપાઈ છે, ત્યારે કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો. જેના આધારે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર, સીપીયુ સહિતના ઉપકર્ણો જપ્ત કરવા આદેશ કર્યો.

કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ

આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ અને વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ પણ કરી નાંખ્યો. આમ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ થયો, કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપ્યો. 

બોગસ આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરુદ્ધ ફરિયાદ નોંધાવા હુકમ કર્યો

પાલડીમાં જમીન માલિકીના વિવાદમાં બોગસ હુકમ અનુસંધાનમાં કોર્ટ સમક્ષ આવેલી દરખાસ્તની સુનાવણીમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવતા આખરે સિવિલ કોર્ટના જજ જે.એલ.ચોવટીયાએ બોગસ આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન વિરુદ્ધ ફરિયાદ નોંધાવા હુકમ કર્યો છે. જેને પગલે કારંજ પોલીસે આ સમગ્ર મામસે મોરીસ ક્રિશ્ચિયન વિરુદ્ધ FIR દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કોર્ટ હુકમની નકલ રાજ્યના મુખ્ય સચિવ, ગૃહવિભાગ અને અમદાવાદ કલેક્ટરને મોકલી આપવા હુકમ કર્યો હતો. કોર્ટે અરજદાર દરખાસ્તકર્તા બાબુજી છનાજી ઠાકોરને આ કૌભાંડમાં સામેલ હોઈ રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

બાબુજી છનાજી ઠાકોરને 50 હજારનો દંડ

બાબુજી છનાજી ઠાકોર નામના વ્યક્તિએ પાલડી પાસે આવેલી સરકારી જમીનમાં મોરીસ ક્રિશ્ચિયને આર્બીટ્રેટર બની કરેલા હુકમ અનુસંધાનમાં કોર્ટમાં કરેલી દરખાસ્તની સુનાવણીમાં સરકારી વકીલ વિજય શેઠે કૌભાંડનો પર્દાફાશ કરતી દલીલમાં જણાવ્યું આ કેસમાં સામાવાળા સરકાર છે અને અરજદાર તેમજ સામાવાળા વચ્ચે કોઈપણ પ્રકારનો એગ્રીમેન્ટ કે કરાર થયેલ નથી. એટલું જ નહીં, અરજદાર ક્યારેય આર્બીટ્રેશન એક્ટની કલમ-7 મુજબ, આર્બીટ્રેટરની નિમણૂંક કરવાની કાર્યવાહી કરાઈ નથી. અરજદાર અને સરકાર વચ્ચે કોઈ દાવો થયો હતો અને સીપીસીની કલમ-89 મુજબ પણ કોર્ટે આર્બીટ્રેટર સમક્ષ કેસ મોકલ્યો હોય તેવું પણ બન્યું નથી.

કોઈ એક પક્ષકાર જાતે આર્બીટ્રેટર નક્કી ના કરી શકે.હાલના કેસમાં જાતે બની બેઠેલા આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અરજદારને છેતરીને અથવા તો તેની સાથે મળીને અરજી તૈયાર કરી પોતાની સમક્ષ રજૂ કરાવી છે અને પોતે જાણે જજ હોય એ રીતે આર્બીટ્રેટર તરીકે કાયદાનુસારની કાર્યવાહી વગર મોટી સરતારી સ્થાવર મિલકત જમીનમાં અરજદારનો કાયદેસર હક્ક હોય અને તે માલિક હોય તેમ ઠરાવી દીધુ અને આ પ્રકારનું ફ્રોડ આચર્યું છે, એટલુંજ નહીં ઓર્ડર કરનાર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન પોતાને જ તમામ સત્તાઓ હોય તે રીતે બધું જ ગુનાહિત ષડયંત્રના ભાગ રૂપે ઉભુ કરી પોતે જ ચુકાદો આપેલ અને કોર્ટમાં પણ પોતે જ અરજદારને વકીલ રોકી આપે છે અને અરજદાર વતી ડોક્યુમેન્ટસ પણ પોતે જ રજૂ કરી રજૂઆત કરે છે.  સરકારે બહુ ગંભીર બાબતે કોર્ટનું ધ્યાન દોર્યું કે મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન રાજાની જેમ પોતે બધી કાર્યવાહી કરી અનેક લોકોને પોતે જાણે જજ અને કોર્ટ ચલાવતા હોય તેવી રીતે વિશ્વાસમાં લઈને છેતર્યા છે, મોરીસ ક્રિશ્ચિયન સરકારી જમીનો પચાવી પાડવા માટે આવા ખોટા અને બોગસ હુકમો ઉભા કરે છે, જેને જ્યુડીશીયલ હુકમ હોય તે પ્રકારે સરકારમાં અને કલેક્ટર સહિતના સત્તાવાળોમાં રજૂ કરે છે.

મોરીસ ક્રિશ્ચિયને આર્બીટ્રેશન ચાર્જ તરીકે 30 લાખ વસૂલ્યા

સરકારપક્ષે અદાલતે જણાવ્યું કે મોરીસે આર્બીટ્રેશન ચાર્જ પેટે 30 લાખ આકારેલ છે અને જમીનની કિંમત રૂપિયા 200 કરોડ આકારેલ છે.

મોરીસ પોતે સર્વ સત્તાધીશ રાજા હોય તે રીતે વર્ત્યા- કોર્ટ

કોર્ટે નોંધ્યું કે મોરીસ ક્રિશ્ચિયન પોતે જાણે સર્વ સત્તાધીશ રાજ હોય તે રીતે કાયદાની બધી જોગવાઈઓ બજુ પર રાખીને સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપવા એવોર્ડમાં ચારથી6 વાક્યનો હુકમ કરી ખાનગી વ્યક્તિને કરોડો રૂપિયાની મિલકતના માલિક બનાવી દીધી છે.

100 એકરથી પણ વધુ અને અબજો રૂપિયાની કિંમતના હુકમો કર્યા 

કોર્ટે ગંભીર અવલોકન કર્યું કે મોરીસ ક્રિશ્ચિયનનો ફ્રોડનો હાલનો એક માત્ર કેસ નથી. આ કોર્ટ સમક્ષ જ હાલના કેસ સાથે બીજા દસ કેસો છે. તમામ કેસોની સરકારી-અમ્યુકો કે અન્યની જમીન લગભગ 100 એકરથી પણ વધુ અને અબજો રૂપિયાની કિંમતની જમીનનો હુકમો ચેણે કરી નાખ્યા છે.મોરીસના આ બોગસ આર્બીટ્રેશન હુકમોના આધારે કલેક્ટર સહિતના સત્તાવાળાઓએ રેવન્યુ રેકર્ડમાં પણ એન્ટ્રીઓ કરી દીધી.

ચોંકાવનારી કબૂલાત કરી કે, તેણે 500 પ્રકારના કેસો ચલાવ્યા છે

કોર્ટે નોંધ્યું કે મોરીસ ક્રિશ્ચિયને ખુદ કોર્ટ સમક્ષની જુબાનીમાં કબૂલાત કરી છે કે તેણે વર્ષમાં 500 જેટલા આ પ્રકારના કેસો ચલાવીને આર્બીટ્રેશન એવોર્ડ કરીને હુકમ કર્યા છે, જે હુકમોના આધારે જે તે જિલ્લા કલેક્ટરે પણ અમુક અંશે તેની અમલવારી કરી રેવન્યુ રેન્કમાં નામ દાખલ કરી દીધા હતા.

કેસો અમદાવાદના અને હુકમ ગાંધીનગર આર્બીટ્રેશનનો

સરકારે બહુ મોટો ઘટસ્ફોટ કર્યો કે, પ્રસ્તુત કેસમાં જમીન અમદાવાદમાં અરજદાર અમદાવાદના જિલ્લા કલેક્ટર કચેરી અમદાવાદમાં એ બધુ ન્યાયિક ક્ષેત્ર અમદાવાદનું મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને આર્બીટ્રેશન ટ્રિબ્યુનલ ગાંધનગરમાં ઉભી કરી ગાંધીનગર ખાતે હુકમ કરી નાંખ્યા.

કાયદાથી અસ્તિત્વમાં ના હોય તેવી કોર્ટ કે જજનો હુકમ રદ ઠરે

કોર્ટે ઠરાવ્યું કે કાયદાથી અસ્તિત્વમાં ન હોય તેવી કોર્ટ કે જજ દ્વારા કરવામાં આવેલ હુકમ મૂળથી જ રદબાતલ એટલે કે જાણે અસ્તિત્વમાં જ નથી તેમ કહેવાય. જ્યારે કોઈ કાયદાથી કોઈ કોર્ટ કે જજ કે કોઈ ટ્રિબ્યુનલ અસ્તિત્વમાં જ ના હો અને કોઈ વ્યક્તિ જાતે જ જજ કે ટ્રિબ્યુનલના પ્રેસીડેન્ટ કે આર્બીટ્રેટર બનીને ચુકાદો આપે તો તેવો ચુકાદો કાયદાની ભાષામાં રદબાતલ ગણાય અને તેનું કોઈ જ મૂલ્ય ના રહે. આવા ચુકાદાને કે એવોર્ડની અમલાવરી પણ ના કરાવી શકાય.

આ સમાચાર શેર કરો