મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સગીરા સાથે 3 સંતાનના પિતાનું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી મુસ્લિમ યુવક ભગાડી ગયો હતો બિહાર

સુરતમાં બાળકીઓ સહિત સગીરાઓ સાથે યૌનશોષણના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે

સુરતમાં બાળકીઓ સહિત સગીરાઓ સાથે યૌનશોષણના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અઠવા વિસ્તારમાં રહેતા મજૂર પરિવારની 17 વર્ષીય સગીરાને ત્રણ સંતાનના મુસ્લિમ પિતાએ લગ્નની લાલચ આપીને બિહાર ભગાડી ગયો હતો. પોલીસે પગેરૂ દબાવીને બિહારના દરભંગા પંથકમાંથી પકડી પાડીને પરણિત પુરૂષની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

સગીરાનું અપહરણ કર્યું

નાનપુરા વિસ્તારમાં શ્રમિક પરિવાર રહે છે. આ પરિવારની નજીક ભાડાના મકાનમાં રહેતા મહંમદ જુનેદ મુસ્લિમ શેખ રહેતો હતો. તે પ્લમ્બરિંગનું કામ કરતો હતો. દરમિયાન શ્રમિક પરિવારની 17 વર્ષીય પુત્રીને જુનેદ પ્રેમસબંધના બહાને લગ્નની લાલચ આપીને ગત 10 સપ્ટેમ્બરના રોજ બપોરે અપહરણ કરી ગયો હતો. સગીરાનું અપહરણ થતાં અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

મુસ્લિમ યુવકને દબોચી લેવાયો

ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, બનાવની ગંભીરતા જોઈને સગીરાને ભગાડી ગયેલા જુનેદને પકડવા માટે ટીમને બિહારના દરભંગા રવાના કરી હતી. જ્યાં પોલીસે દરભંગા નજીકના પાલી, ઘનશ્યામપુર ગામે રહેતા જુનેદના મકાનમાં બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસે જુનેદને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. બંનેને લઈને સુરત પહોંચ્યા હતા. સગીરાનું અપહરણ કરનાર જુનેદ શેખની પોલીસે પૂછપરછ કરતાં ત્રણ સંતાનનો પિતા હોવાનું સામે આવ્યું છે. સગીરાને લગ્ન કરવાના ઇરાદે વતનમાં લઈ ગયો હોવાની કબૂલાત કરી હતી.

આ સમાચાર શેર કરો