ધોરાજી-જૂનાગઢ હાઇવે પર બાઇક ઓવરટેક બાબતે યુવકની હત્યા, બંને આરોપીઓ ફરાર

ધોરાજી-જૂનાગઢ હાઇવે પર બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા જયેશ ડાયાભાઈ વિંઝુડા તેમના ભાઈ રાજ વિંઝુડા સાથે બાઇક પર જૂનાગઢ દવાખાને જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં બે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સાથે ઓવરટેક કરવા બાબતે માથાકૂટ થઈ હતી.
માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો
આ દરમિયાન અજાણ્યા શખ્સોએ જયેશ વિંઝુડાના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે જયેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હુમલા બાદ બંને આરોપીઓ જૂનાગઢ તરફ ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાને પગલે સ્થાનિક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ હત્યારાઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ કરી છે. આગામી જન્માષ્ટમીના તહેવાર અને શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને ધોરાજીનો શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે આરોપીઓને વહેલી તકે પકડવા માંગ ઉઠી છે.

