Video: રાજકોટ મનપાની જનરલ સભામાં જંગલેશ્વર ડિમોલિશન અને ‘પતિરાજ’ મુદ્દે હંગામો

વિપક્ષે કહ્યું કે, જંગલેશ્વર વિસ્તારના લોકોના પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, ત્યારે શાસકો દ્વારા હોબાળો મચાવવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું જંગલેશ્વરના રહીશોને વિકાસનો કોઈ અધિકાર નથી? વિપક્ષ નેતાએ કહ્યું કે, જંગલેશ્વરમાં ડિમોલિશનની કામગીરી બાદ આજે પણ અસરગ્રસ્ત લોકો મંદિરો, ફળિયા કે પાડોશીઓની અગાસીમાં આશરો લેવા મજબૂર બન્યા છે. મનપા તંત્રએ માત્ર ૧૪૫ જેટલા લોકોને આવાસ ફાળવીને સંતોષ માની લીધો છે. જનરલ બોર્ડમાં મેયર દ્વારા આગામી સમયમાં આવાસ બન્યા બાદ ફાળવણી કરવાનું આશ્વાસન તો અપાયું છે, પરંતુ આ આવાસ ક્યારે મળશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. વિપક્ષે મહાનગરપાલિકામાં ચાલતા પતિરાજ મુદ્દે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. કહ્યું કે, જનરલ બોર્ડની કાર્યવાહી દરમિયાન મહિલા કોર્પોરેટરોને તેમના પતિ દ્વારા ફોન પર સૂચનાઓ આપવામાં આવે છે. જેને વિપક્ષે મહિલા સશક્તિકરણ પર એક લપડાક ગણાવી છે.
















