ત્રણ કલાકમાં આપઘાતની 3 ઘટનાઓથી ચકચાર, મહિલા કર્મચારી સહિત ત્રણનાં મોત

ત્રણ કલાકમાં આપઘાતની 3 ઘટનાઓથી ચકચાર, મહિલા કર્મચારી સહિત ત્રણનાં મોત
તસવીર: AI
આ સમાચાર સાંભળો

રાજકોટ શહેરમાં શુક્રવારે, 27 નવેમ્બરના રોજ સવારે માત્ર ત્રણ કલાકના સમયગાળામાં આપઘાતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. શહેરના બહુમાળી ભવનમાં મહિલા કર્મચારીનું મોત થયું હતું, જ્યારે એક એપાર્ટમેન્ટમાં વૃદ્ધ અને જંક્શન પ્લોટ વિસ્તારમાં યુવકનું મોત થયું હતું. ત્રણેય બનાવ અંગે સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બહુમાળી ભવનમાં મહિલા કર્મચારીનું મોત

જાહેરાત

રાજકોટના બહુમાળી ભવનમાં આવેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ઓફિસમાં 60 વર્ષીય પ્રભાબેન સરવૈયાનું મોત થયું હતું. તેઓ ઓફિસમાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હાલ તેમના મોતનું કારણ સ્પષ્ટ થયું નથી.

એપાર્ટમેન્ટમાં વૃદ્ધનું મોત

 રાજકોટના એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં 83 વર્ષીય કાંતિલાલ રામાણીનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, તેઓ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા.કાંતિલાલ નિવૃત્ત જીવન ગાળતા હતા. તેમને એક દીકરો અને એક દીકરી છે. બંને પરણિત છે. દીકરો રાજકોટમાં તેમની સાથે રહેતો હતો, જ્યારે દીકરી અમદાવાદમાં રહે છે. ઘટનાને પગલે તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જંક્શન પ્લોટમાં યુવકનું મોત

રાજકોટના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલા જય એપાર્ટમેન્ટમાં પણ એક યુવકનું મોત થયું હતું. એપાર્ટમેન્ટના ત્રીજા માળે બનેલી ઘટનામાં દિલીપ રાઠોડ નામના યુવકનું મોત થયું હતું. બનાવ સવારે 8થી 8.30 વાગ્યાની આસપાસ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, દિલીપ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો અને એપાર્ટમેન્ટમાં રહેતી તેની મિત્ર સાથે સંબંધ ધરાવતો હતો. યુવતીની અન્યત્ર સગાઈ થવાની હોવાથી બંને સવારે ફ્લેટમાં વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન યુવતીના માતા-પિતા ત્યાં આવી પહોંચ્યા હતા. ત્યારબાદ યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં યુવતીની અન્ય એક મિત્ર પણ ફ્લેટમાં હાજર હોવાનું જાણવા મળ્યું છે. પ્રદ્યુમનનગર પોલીસે યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે. ઘટનાની સંપૂર્ણ હકીકત પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત