Video: દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ યથાવત, એકંદર AQI ૨૨૬ નોંધાયો, આનંદ વિહાર સહિત ત્રણ વિસ્તારોમાં હવા ખૂબ ખરાબમાં શ્રેણીમાં પહોંચી

સોર્સ: gstv

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર હજુપણ ચિંતાજનક સ્તરે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા અનુસાર દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI ૨૨૬ નોંધાયો હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે. ખાસ કરીને ત્રણ સ્થળોએ પ્રદૂષણનો આંકડો ૩૦૦ને વટાવી જતાં સ્થિતિ ખૂબ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે.

દિલ્હીમાં આવેલા કુલ ૫૯ મોનિટરિંગ સ્ટેશનોમાંથી ૫૬ સ્ટેશનો પરથી માન્ય ડેટા પ્રાપ્ત થયા હતા, જે મુજબ ૩૭ સ્ટેશનો પર AQI સ્તર ૨૦૦થી ઉપર નોંધાયું છે. શહેરના સરેરાશ આંકડાઓમાં PM2.5 મુખ્ય પ્રદૂષક તત્વ રહ્યું હતું. વિસ્તારવાર આંકડાઓ પર નજર કરીએ તો, આનંદ વિહારમાં સૌથી વધુ ૩૨૭ AQI નોંધાયો હતો. ત્યારબાદ દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં ૩૦૮ અને દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં ૩૦૨ AQI નોંધાતા આ ત્રણેય વિસ્તારો ખૂબ ખરાબ શ્રેણીમાં રહ્યા હતા. આ ઉપરાંત પૂસામાં ૨૯૮  ITOમાં ૨૯૬ અને બુરારી ક્રોસિંગમાં ૨૮૯ AQI નોંધાયો હતો. જોકે, કેટલાક વિસ્તારોમાં થોડી રાહત પણ જોવા મળી હતી, જેમાં શ્રી અરવિંદો માર્ગ પર સૌથી ઓછો ૧૩૯  ઝરોડા કલાનમાં ૧૪૬  પૂસામાં ૧૪૭, લોધી રોડ પર ૧૪૮ અને મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ૧૫૩ AQI નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં આવે છે.

જાહેરાત

હવાની ગુણવત્તાને વધુ બગડતી અટકાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એટલે કે CAQMના જણાવ્યા અનુસાર, સમગ્ર દિલ્હી-NCRમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો બીજો તબક્કો અમલમાં મૂકવામાં આવ્યો છે. CAQMના ડેશબોર્ડ પર બીજો તબક્કો સક્રિય દર્શાવવામાં આવ્યો છે અને આ આદેશ ૨ નવેમ્બરથી લાગુ છે. આ તબક્કા હેઠળ મશીનો દ્વારા રસ્તાઓની સઘન સફાઈ, ધૂળને ઉડતી અટકાવવા માટે પાણીનો છંટકાવ, બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણના નિયમોનું કડક પાલન કરાવવું તેમજ ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા જેવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે.

દિલ્હીના વાતાવરણમાં પ્રદૂષણની ચાદર હજુપણ યથાવત જોવા મળી રહી છે. એક તરફ વહીવટીતંત્ર ગ્રેપ-2ના નિયમો હેઠળ પ્રદૂષણને કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ૩૦૦થી ઉપર પહોંચેલો AQI સ્વાસ્થ્ય માટે જોખમી સંકેત આપી રહ્યો છે. આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર અને સરકારી પગલાંની પ્રદૂષણના સ્તર પર કેવી અસર પડે છે તે જોવું મહત્વનું રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત