Video: 'સરકારો બદલાઈ શકે છે, પણ દેશનું બંધારણ કોઈ બદલી શકતું નથી...' કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું મોટું નિવેદન!

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ દેશના બંધારણ, મહિલા અનામત અને આગામી સંસદના શિયાળુ સત્રમાં રજૂ થનારા સીમાંકન (Delimitation) બિલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી આઠવલેએ સ્પષ્ટ કર્યું હતું કે, વર્તમાન સરકાર બંધારણ સભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા રજૂ કરાયેલા સામાજિક અને આર્થિક સમાનતાના વિઝનને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
'બંધારણ બદલવા અંગે ખોટો પ્રચાર થઈ રહ્યો છે'
બંધારણમાં ફેરફાર અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપતા રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, બંધારણ બદલી નાખવામાં આવશે તેવો ખોટો પ્રચાર ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "સૌ પ્રથમ તો આ દેશના બંધારણને બદલી શકાય તેમ નથી. સરકારો બદલાઈ શકે છે, પરંતુ બંધારણ ક્યારેય બદલાઈ શકતું નથી."
મહિલા અનામત અને સીમાંકન બિલ પર વિશ્વાસ
કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે બાબાસાહેબ આંબેડકરે હંમેશા મહિલાઓને ન્યાય અપાવવાની હિમાયત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓને અનામત આપવું એ સરકારનું વિઝન અને લક્ષ્ય છે. સીમાંકન પ્રક્રિયા અંગે બોલતા આઠવલેએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે દર 20-25 વર્ષે સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જ્યારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, ત્યારે સીમાંકન બિલ (Delimitation Bill) રજૂ કરવામાં આવશે અને તે બહુમતી સાથે પસાર પણ થઈ જશે.









