અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓની શાન ઠેકાણે આવી! 950 આરોપીઓને હેડક્વાર્ટર બોલાવ્યા, બંધ મંડપમાં જતા જ બદલાઈ ગઈ ચાલ!

અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓની શાન ઠેકાણે આવી! 950 આરોપીઓને હેડક્વાર્ટર બોલાવ્યા, બંધ મંડપમાં જતા જ બદલાઈ ગઈ ચાલ!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ ઝડપાયેલી ડ્રગ્સની ફેક્ટરી બાદ નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે અમદાવાદ પોલીસ કડક બની છે. યુવા પેઢીને બરબાદીના રસ્તે ધકેલતા ડ્રગ્સ નેટવર્કને નાબૂદ કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જે અંતર્ગત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને (SOG) અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) સહિતની એજન્સીઓના ચોપડે ચડેલા 950થી વધુ NDPS (નાર્કોટિક્સ)ના આરોપીઓને શાહીબાગ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરના સ્ટેડિયમ ખાતે એકત્રિત કરવામાં આવ્યા હતા.

મંડપમાં હસતા મોઢે ગયા, બહાર નીકળ્યા ત્યારે ચાલવાના પણ હોશ ન રહ્યા

જાહેરાત

પોલીસ દ્વારા બોલાવવામાં આવેલા આ 950થી વધુ નશાના સોદાગરોમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના 500 અને ક્રાઈમ બ્રાન્ચ, SOG તેમજ ANTFના ચોપડે નોંધાયેલા 450 જેટલા આરોપીઓનો સમાવેશ થાય છે. સ્ટેડિયમના વિશાળ મેદાનમાં તમામ આરોપીઓને કતારબંધ બેસાડવામાં આવ્યા હતા. જોકે, આ કાર્યવાહીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ દ્રશ્યો ત્યારે સર્જાયા જ્યારે આ ટોળામાંથી અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને રીઢા ગુનેગારોને અલગ તારવવામાં આવ્યા. આ રીઢા આરોપીઓને મેદાનમાં જ બનાવવામાં આવેલા એક ખાસ બંધ મંડપની અંદર લઈ જવામાં આવ્યા હતા. આ ગુનેગારો જ્યારે બંધ મંડપમાં પ્રવેશ્યા ત્યારે તેમના ચહેરા પર કોઈ ડર નહોતો અને તેઓ હસતા મોઢે અંદર ગયા હતા, પરંતુ થોડી જ વારમાં જ્યારે તેઓ મંડપમાંથી બહાર નીકળ્યા ત્યારે લંગડા પગે ચાલતા જોવા મળ્યા હતા.

ગેરકાયદે મિલકતો પર બુલડોઝર અને જામીન ન મળે તેવી કડક જોગવાઈ

આ દરમિયાન JCPએ તમામ આરોપીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, હવે શહેરમાં ડ્રગ્સની હેરાફેરી કે વેચાણ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈપણ આરોપી ફરીથી નશાના વેપારમાં સંડોવાયેલો જણાશે, તો તેની સામે માત્ર કેસ જ નહીં થાય પરંતુ તેના ગેરકાયદે મકાનો અને મિલકતો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત, આરોપીઓને એવી કડક કલમો હેઠળ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે કે તેમને વર્ષો સુધી જામીન પણ નસીબ નહીં થાય.

2028 સુધીમાં 'ડ્રગ્સ મુક્ત ગુજરાત'નું લક્ષ્ય, બેદરકાર PI સામે પણ તવાઈ

જેસીપીએ વધુમાં ઉમેર્યું કે, વર્ષ 2028 સુધીમાં સમગ્ર ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ડ્રગ્સ પેડલરો અને સપ્લાયરો સામે આ આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાનમાં માત્ર ગુનેગારો જ નહીં, પરંતુ પોલીસ તંત્રની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. જેસીપીએ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ કડક સૂચના આપી છે કે, જો કોઈપણ PIના વિસ્તારમાંથી ડ્રગ્સ વેચાતું પકડાશે કે નશાનું નેટવર્ક ચાલતું જણાશે, તો ગુનેગારોની સાથે-સાથે તે સંબંધિત PI સામે પણ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત