અમદાવાદમાં પ્રદૂષણના અલગ-અલગ હોટસ્પોટ્સની થશે ઓળખ, AMC-IIT કાનપુરનું ‘SMART-VAYU’ મિશન શરૂ

શહેરમાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને IIT કાનપુર દ્વારા નવી પહેલ હાથ ધરવામાં આવી છે. ‘SMART-VAYU’ નામના આ પ્રોજેક્ટ હેઠળ શહેરનાં 10 સ્થળોએ રિયલ-ટાઇમ એર ક્વોલિટી મોનિટરિંગ (Real-time Air Quality Monitoring) કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ પ્રદૂષણના સ્થાનિક હોટસ્પોટ્સ (Hotspots) શોધવાનો અને કયા વિસ્તારમાં હવા ખરાબ થવા પાછળ કયું કારણ જવાબદાર છે તે ઓળખવાનો છે. પ્રારંભિક પરીક્ષણોમાં જ સામે આવ્યું છે કે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદૂષણનાં કારણો એકસરખાં નથી. સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 4થી 24 મે દરમિયાન કરાયેલા સેમ્પલિંગમાં ધૂળનો હિસ્સો 36 ટકા અને કોલસાના દહનનો ફાળો 24 ટકા નોંધાયો હતો. જ્યારે ટ્રાફિક સંબંધિત ઓર્ગેનિક એરોસોલ્સનો હિસ્સો 13 ટકા રહ્યો હતો. બીજી તરફ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે 25 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન થયેલા મોનિટરિંગમાં દરિયાઈ ઉત્સર્જન અને કચરો બાળવાની પ્રવૃત્તિનો સંયુક્ત હિસ્સો 38 ટકા નોંધાયો હતો. અહીં ધૂળનો ફાળો 23 ટકા અને પાવર પ્લાન્ટ સંબંધિત પ્રદૂષણનો હિસ્સો 20 ટકા રહ્યો હતો. જ્યારે કોલસાના દહનનો ફાળો માત્ર એક ટકા હતો. આ આંકડા દર્શાવે છે કે શહેરના દરેક વિસ્તારમાં પ્રદૂષણ નિયંત્રણ માટે અલગ વ્યૂહરચના જરૂરી છે.
આ 10 સ્થળોએ થશે મોનિટરિંગ
AMC અને IIT કાનપુરે સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગુજરાત પોલીસ એકેડેમી (કરાઈ), સંસ્કારધામ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પિરાણા AMC કોમ્યુનિટી સર્વિસ સેન્ટર, રખિયાલ AMC હેલ્થ ઓફિસ, વટવા GIDCનું ચંદ્રકલા કોમ્પ્લેક્સ, બોપલ અર્બન હેલ્થ સેન્ટર અને થલતેજ AMC વોર્ડ ઓફિસની પસંદગી કરી છે. આ પૈકી પાંચ સ્થળોએ મોબાઈલ લેબોરેટરી સેમ્પલિંગ સાથે સેન્સર્સ લગાવવામાં આવશે, જ્યારે અન્ય પાંચ સ્થળોએ ફિક્સ્ડ સેન્સર્સ કાર્યરત રહેશે. ભવિષ્યમાં આ નેટવર્કને સમગ્ર અમદાવાદમાં આશરે 400 સેન્સર્સ સુધી વિસ્તારવાની યોજના છે.
કયા પ્રદૂષકોનું થશે માપન?
આ સેન્સર્સ PM2.5, PM10, નાઇટ્રોજન ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષકોનું સતત માપન કરશે. સાથે જ તાપમાન અને ભેજની પણ નોંધ રાખવામાં આવશે. મોબાઈલ રિયલ-ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ લેબોરેટરી (RTSA) દ્વારા વાહનો, ઉદ્યોગો, રસ્તાની ધૂળ, બાંધકામ અને કચરો બાળવાથી થતા પ્રદૂષણનું વિશ્લેષણ કરવામાં આવશે. હાલમાં શહેરમાં કાર્યરત SAFAR નેટવર્ક સમગ્ર શહેરની હવાની ગુણવત્તા અંગે માહિતી આપે છે, જ્યારે SMART-VAYU સ્થાનિક સ્તરે વધુ ચોક્કસ વિગતો પૂરી પાડશે. તેના આધારે જે વિસ્તારમાં ધૂળનું પ્રદૂષણ વધુ હશે ત્યાં સફાઈ અને ધૂળ નિયંત્રણનાં પગલાં લેવાશે. ઔદ્યોગિક ધુમાડો કે કચરો બાળવો મુખ્ય કારણ હશે તો સંબંધિત સ્થળોએ તપાસ અને કાર્યવાહી કરવામાં મદદ મળશે. આમ, આ પ્રોજેક્ટથી અમદાવાદમાં પ્રદૂષણ નિયંત્રણ માટે વિસ્તાર મુજબ અસરકારક પગલાં લેવાનો માર્ગ મોકળો થઈ શકે છે.












