અમદાવાદમાં તહેવારો દરમિયાન મીઠાઈ-ફરસાણ આરોગ્યા બાદ રિપોર્ટ આવ્યા, ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં તહેવારો દરમિયાન મીઠાઈ, નમકીન અને અન્ય ખાદ્યપદાર્થોની મોટા પાયે ખરીદી અને વેચાણ થતું હોય છે. આવા સમયે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ વિભાગ ઘટતી કાર્યવાહી કરતું હોય છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગનો નવેમ્બર મહિનાના પ્રથમ 16 દિવસમાં લીધેલા સેમ્પલનો રિપોર્ટ તહેવારો પૂર્ણ થયા બાદ સામે આવ્યો છે. જેથી લોકોના મુખે એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે તહેવારો ગયા, ફૂડ કે મીઠાઇ ખાઈ પણ લીધી હવે સેમ્પલનો રિપોર્ટ જાહેર થાય તેનો શું મતલબ!
141 નમૂનાઓ લેવામાં આવ્યા હતા
મહત્વનું છે કે 1થી 16 નવેમ્બર દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં 479 ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 2,832 કિલોગ્રામ જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરાયો હતો. તપાસમાં લેવામાં આવેલા 141 નમૂનાઓમાંથી 4 નમૂના સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થયા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા 148 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં મીઠાઈ, નમકીન, દૂધ અને દૂધની બનાવટો, મુખવાસ, બેકરી પ્રોડક્ટ્સ સહિતની વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયેલા 141 નમૂનાઓમાંથી 3 નમૂના સબસ્ટાન્ડર્ડ અને 1 નમૂનો અનસેફ જાહેર થયો.
કયા દુકાનની કઈ વસ્તુ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થઈ?
આંબાવાડીમાં આવેલી વિવેક ચાઇના ટાઉન-લારીમાંથી લેવામાં આવેલો લો ફેટ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જણાયો હતો. માણેકચોકમાં પટેલ ચતુરભાઈ શીવરામ પાસેથી લેવાયેલો મીઠો માવો અને વટવાના શિવ શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટમાંથી લેવાયેલું મિક્ષ ચવાણું પણ ગુણવત્તાની કસોટીમાં નિષ્ફળ રહ્યાં હતાં. જ્યારે કાલુપુરની એચ.એમ. વરખવાલા પ્રા.લી.માંથી લેવામાં આવેલો સિલ્વર લીવ્સ એટલે કે ચાંદીના વરખનો નમૂનો અનસેફ જાહેર થયો હતો.
તપાસ દરમિયાન ફૂડ વિભાગે 2,832 કિલોગ્રામ ઉપરાંત 322 લિટર જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો પણ નાશ કર્યો હતો. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 115 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા. નિયમોના ઉલ્લંઘન બદલ વેપારીઓ પાસેથી કુલ 4.34 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
આ સવાલોનો જવાબ તંત્ર પાસે છે?
તહેવારોની મોસમ પૂરી થયા બાદ કોર્પોરેશનના ફૂડ વિભાગની કામગીરીનો જે રિપોર્ટ સામે આવ્યો છે, તેણે સૌથી મોટો સવાલ એ ઊભો કર્યો છે કે આખરે આ કાર્યવાહી 'પાણી પહેલાં પાળ' બાંધવા જેવી છે કે 'આગ લાગ્યા પછી કૂવો ખોદવા' જેવી? તહેવારોના દિવસોમાં જ્યારે લોકોએ મોટા પાયે મીઠાઈ અને ફરસાણની ખરીદી કરી લીધી, ત્યારબાદ આ નમૂનાઓના પરિણામો જાહેર થતાં ગ્રાહકોમાં એવી ચર્ચા જાગી છે કે શું તહેવાર ટાણે જ લોકોએ અખાદ્ય અને ભેળસેળયુક્ત વસ્તુઓ આરોગી લીધી?
ભ્રામક વેચાણ સામે વેપારીઓને ચેતવણી અપાઈ
ફૂડ વિભાગના ધ્યાને આવ્યું છે કે કેટલાક વેપારીઓ ગ્રાહકોને ખાદ્યપદાર્થની સાચી ઓળખ આપ્યા વગર અસલી વસ્તુના નામે અલગ પ્રકારની પ્રોડક્ટ વેચે છે. મેનુ કાર્ડ, ડિસ્પ્લે બોર્ડ, ઓનલાઇન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ અને બિલમાં દર્શાવાતા નામ અને વાસ્તવિક વસ્તુ વચ્ચે તફાવત હોવાની શક્યતા અંગે તંત્રએ ચેતવણી આપી છે.
આઇસ્ક્રીમના નામે વનસ્પતિ ચરબીવાળું ફ્રોઝન ડેઝર્ટ, ચીઝના નામે વનસ્પતિ ચરબી આધારિત વિકલ્પ અને બટરના નામે વનસ્પતિ ચરબી આધારિત સ્પ્રેડ પીરસવામાં આવતાં હોવાની બાબત સામે આવી છે. આ ઉપરાંત, ટામેટા કેચપના બદલે ટામેટાના સ્વાદવાળી ચટણી, લુઝ ઘીના નામે વેજીટેબલ ફેટ અને શુદ્ધ ઘીમાં વનસ્પતિ તેલનો ઉપયોગ થતો હોવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. મધમાં ખાંડની ચાસણી, કેસરના નામે રંગેલા વનસ્પતિ રેસા, ચાંદીના વરખના બદલે એલ્યુમિનિયમની પરત અને કાળા મરીમાં સૂકવેલા પપૈયાના બીજ જેવી ભેળસેળ અંગે પણ ગ્રાહકોને સાવચેત રહેવા જણાવાયું છે.
લેબલ અને ખરીદીના બિલની થશે ચકાસણી
ફૂડ વિભાગે હોટલ, રેસ્ટોરાં, આઇસ્ક્રીમ પાર્લર, બેકરી, મીઠાઈની દુકાનો અને કેટરર્સને ખાદ્યપદાર્થોની સાચી ઓળખ દર્શાવવા સૂચના આપી છે. વેપારીઓએ ઉત્પાદકનું મૂળ લેબલ અને ખરીદીનું બિલ તપાસ માટે ઉપલબ્ધ રાખવાનું રહેશે. આગામી તપાસ દરમિયાન મૂળ લેબલ, ખરીદીના બિલ અને ગ્રાહકોને વેચાણ માટે દર્શાવવામાં આવતા નામની સરખામણી કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર, ભ્રામક રીતે ખાદ્યપદાર્થો વેચનાર તેમજ લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ધંધો કરનાર એકમો સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ એકમ સીલ કરવા અને ફૂડ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં લેવામાં આવી શકે છે.









