વડનગરમાં આવતીકાલથી બે દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન, CM અને નાયબ મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

મહેસાણા જિલ્લાના વડનગરમાં 19 અને 20 નવેમ્બરના રોજ બે દિવસીય ભવ્ય 'તાના-રીરી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. 19 નવેમ્બરે સાંજે 6:30 કલાકે તાના-રીરી ગાર્ડન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે. આ સંગીત મહોત્સવમાં દેશના જાણીતા કલાકારો શાસ્ત્રીય સંગીતની સુરાવલી રેલાવશે.
કલાકારો સંગીતની પ્રસ્તુતિ આપશે
મહોત્સવ દરમિયાન હેતલ મહેતા જોશી અને માલિની અવસ્થીને પ્રતિષ્ઠિત 'તાના-રીરી એવોર્ડ' એનાયત કરીને સન્માનિત કરવામાં આવશે. પ્રથમ દિવસે કુ. સૂર્યા ગાયત્રી અને પદ્મશ્રી પંડિત તેજેન્દ્ર નારાયણ સહિતના જાણીતા કલાકારો સંગીતની પ્રસ્તુતિ આપશે. જ્યારે બીજા દિવસે પંડિત જયતીર્થ મેવુન્ડી, પંડિત પૂર્વાયન ચેટરજી અને ભૌમિક શાહ શાસ્ત્રીય ગાયન અને વાદનની રજૂઆત કરશે.
ઉલ્લેખનીય છે કે તાના-રીરી મહોત્સવની શરૂઆત વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ મહોત્સવ દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા અને વારસાને પ્રોત્સાહન આપવામાં આવે છે.











