Video: દિલજીત દોસાંઝે ગિરનાર પર્વત પર જઈને કરી પૂજા-અર્ચના

પોતાના જોશીલા અંદાજ અને સુપરહિટ ગીતોથી કરોડો ચાહકોના દિલ પર રાજ કરનાર પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંઝ પોતાની ઓરા ઈન્ડિયા ટૂરને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો લાઈવ કોન્સર્ટ પહેલા દિલજીત ગુજરાતના પ્રકૃતિ અને આધ્યાત્મિક વારસાને મન ભરીને માણી રહ્યો છે. તેણે જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત અને ગીર નેશનલ પાર્કની મુલાકાત લઈને ચાહકોને એક ખાસ સરપ્રાઈઝ આપી છે. દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા પર ગિરનાર પર્વતની મુલાકાતનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. આ ક્લિપમાં દિલજીત પોતાની ટીમ સાથે ટ્રેકિંગ કરતા જોવા મળે છે, અને ત્યારબાદ તેમણે રોપ-વેનો ઉપયોગ કર્યો હતો. ગિરનાર પર્વત પ્રખ્યાત પવિત્ર પર્વત છે. તે હિન્દુઓ અને જૈનો બંને માટે સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાંનું એક માનવામાં આવે છે. દિલજીતનો ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક ઈતિહાસ અને આધ્યાત્મિકતા પ્રત્યેનો આ લગાવ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.













