ગેસ્ટહાઉસમાં 15 વર્ષની તરુણી પર દુષ્કર્મ, યાત્રાધામ વીરપુરને લાગ્યું કલંક
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા જલારામ બાપાના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરને કલંક લાગ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા જલારામ બાપાના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરને કલંક લાગ્યું છે. જેતપુરની 15 વર્ષની તરૂણી પર વિરપુર ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનાથી વીરપુર સહિત સમગ્ર જેતપુર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ સ્કૂલેથી ઘરે આવેલી તરૂણીને વાલીપણામાંથી જેતપુરનો રવી પરમાર નામનો આરોપી ભગાડી ગયો હતો, અને બાદમાં વિરપુરના ગેસ્ટહાઉસમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપી યુવક ફરાર થઈ ગયો હતો.
પરિવારજનોએ પૂછપરછ કરતાં તરૂણીએ આપવીતી વર્ણવી હતી, જેના આધારે પરિવારે જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેતપુર સીટી પોલીસે POCSO, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ આરોપી યુવક સામે ગુનો નોંધ્યો છે.
જેતપુર સીટી પોલીસના પીઆઈ એ.ડી. પરમાર અને ટીમે હવસખોર યુવકની શોધખોળ હાથ ધરી છે. આરોપી પાણીના પ્લાન્ટમાં મજૂરીકામ કરતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.






