Rajkot/ ૧૪૦ કિલો ચાંદી ચોરી કેસ: ક્રાઈમ બ્રાંચે ચોરીમાં વપરાયેલી 'ક્રેટા' કાર કબજે કરી, એક શકમંદની ધરપકડ

રાજકોટમાં થયેલી 140 કિલો ચાંદીની મોટી ચોરીનો ભેદ ઉકેલવા રાજકોટ ક્રાઈમ બ્રાંચે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસે એક શકમંદને ઉઠાવ્યો છે અને ચોરીની વારદાતમાં વપરાયેલી હ્યુન્ડાઈ ક્રેટા કાર પણ કબજે કરી છે.
નંબર પ્લેટ બદલીને કરી હતી ચોરી
તપાસમાં બહાર આવ્યું છે કે તસ્કરો અત્યંત શાતિર હતા. તેમણે ચોરી કરવા માટે જે ક્રેટા કારનો ઉપયોગ કર્યો હતો, તેની અસલી નંબર પ્લેટ બદલી નાખી હતી જેથી પોલીસને ગુમરાહ કરી શકાય. ચોરી કર્યા બાદ આ શખ્સો આખી રાત રાજકોટના વિવિધ વિસ્તારોમાં કાર લઈને ફરતા રહ્યા હોવાનું પણ સીસીટીવી તપાસમાં ખુલ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કડીથી તપાસ તેજ
આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અગાઉ પ્રદીપ પ્રજાપતિ નામના શખ્સને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં મળેલી કડીઓના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. હાલ જે શકમંદની અટકાયત કરવામાં આવી છે તેની સખ્ત પૂછપરછ ચાલી રહી છે, જેનાથી મુખ્ય આરોપીઓ અને ચોરી થયેલી ચાંદીના જથ્થા સુધી પહોંચવામાં મદદ મળશે.

