ગિરનાર લીલી પરિક્રમા માટે રાજકોટ એસટી વિભાગ 50 એક્સ્ટ્રા બસો દોડાવશે
Girnar Lili Parikrama 2024 : ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી પરિક્રમાને હવે ગણતરીન

Girnar Lili Parikrama 2024 : ગરવા ગિરનારની ગોદમાં પરંપરાગત યોજાતી પરિક્રમાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો યાત્રિકો પરિક્રમામાં ઉમટી પડે તેવી શક્યતાઓ છે. 12 નવેમ્બરથી યોજાનાર લીલી પરિક્રમા માટે સરકારના અલગ અલગ વિભાગો દ્વારા મોટાભાગની વ્યવસ્થાઓ પૂરી કરી દેવામાં આવી છે. ગિરનાર લીલી પરિક્રમા માટે રાજકોટ એસટી વિભાગ 50 એક્સ્ટ્રા બસો દોડાવશે.
પાંચ દિવસ માટે એક્સ્ટ્રા બસ દોડશે
ગિરનાર લીલી પરિક્રમા માટે રાજકોટ એસટી વિભાગના મોરબી, સુરેન્દ્ર નગર અને ગોંડલથી 50 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. એક્સ્ટ્રા ફાળવેલ બસ પાંચ દિવસ માટે નોન સ્ટોપ જૂનાગઢ માટે દોડશે. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.
આ પણ વાંચો : અમરેલી-જૂનાગઢ વચ્ચે ચાલશે પરિક્રમા સ્પેશિયલ ટ્રેન, રાજ્યના આ જિલ્લાઓને મળશે લાભ
ગિરનાર લીલી પરિક્રમા: શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર
ગિરનારની લીલી પરિક્રમા એ ભક્તો માટે એક અનોખો અનુભવ છે. આ પરિક્રમા શ્રદ્ધા, ભક્તિ અને પ્રકૃતિના સંગમનું ઉત્તમ ઉદાહરણ છે. આ પરિક્રમા ભક્તો માટે એક પવિત્ર યાત્રા છે અને તેને લોકો દ્વારા ખૂબ જ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે. ગિરનારને શિવનું ધામ માનવામાં આવે છે. ભક્તો માને છે કે આ પરિક્રમા કરવાથી તેમના પાપ દૂર થાય છે અને મોક્ષ મળે છે.
સામાન્ય રીતે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા કરવામાં આવે છે. આ સમયે હવામાન ખૂબ જ સુખદ હોય છે અને ભક્તોને પરિક્રમા કરવામાં સરળતા રહે છે. ગિરનાર પર્વતની લીલીછમ વનસ્પતિ અને શાંતિપૂર્ણ વાતાવરણ ભક્તોને પ્રકૃતિની નિકટતા અનુભવ કરાવે છે. ગિરનારની પરિક્રમાનો માર્ગ લગભગ 32 કિલોમીટરનો છે. આ માર્ગમાં ઘણા મંદિરો આવેલા છે, જેમ કે ભવનાથ મહાદેવ મંદિર, દૂધેશ્વર મહાદેવ મંદિર અને અન્ય.








