ગાંધીનગર સ્થિત રાજભવન હવે 'ગુજરાત લોકભવન' તરીકે ઓળખાશે, રાજ્યપાલે કરી જાહેરાત
ગાંધીનગર સ્થિત રાજભવન હવે 'ગુજરાત લોકભવન' તરીકે ઓળખાશે. જેને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્

ગાંધીનગર સ્થિત રાજભવન હવે 'ગુજરાત લોકભવન' તરીકે ઓળખાશે. જેને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના સોશિયલ મીડિયા માધ્યમ પર જાણકારી આપી છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે, 'આ પરિવર્તન ફક્ત નામ પૂરતું નથી, પરંતુ જાહેર સેવાની ભાવનાને વધુ ઊંડાણપૂર્વક આત્મસાત કરવાનો સંકલ્પ છે. જેમાં લોકભવન એટલે જનતા સર્વોપરી...'
રાજભવન હવે 'ગુજરાત લોકભવન' તરીકે ઓળખાશે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર લખ્યું કે, 'હવે આ ભવન ફક્ત રાજ્યપાલનું નિવાસસ્થાન જ નહીં પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સંશોધકો અને સામાજિક સંગઠનો સાથે સંવાદ, સહયોગ અને ભાગીદારીનું એક જીવંત કેન્દ્ર પણ બનશે. ગત વર્ષોમાં પ્રાકૃતિક ખેતી, નૈતિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણીય સંરક્ષણ અને આદિવાસી વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં જે લોક કલ્યાણકારી પ્રયાસો કરવામાં આવ્યા છે, જેમાં લોકભવન તેને વધુ ગતિ અને દિશા પ્રદાન કરશે.'
તેમણે વધુમાં જણાવ્યું કે, 'ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિ રોકાણ, ગામની સફાઈ, વૃક્ષારોપણ, સ્વયંભૂ જાહેર વાર્તાલાપ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારો સાથે ભોજન જેવા અનુભવોએ મને હંમેશા જીવનના સાચા મૂલ્યોની નજીક લાવ્યો છે. લોકભવનનો ઉદ્દેશ્ય સરકાર અને લોકો વચ્ચે વિશ્વાસ, કરુણા અને સેવાનો મજબૂત સેતુ બનવાનો છે.'






